ચીન સહિત અનેક દેશોમાં કોરોના મહામારી એ ફરી માથું ઉંચક્યુ છે અને દુનિયામાં આ જીવલેણ મહામારીની દહેશત ફેલાઇ છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે અને આરોગ્ય મંત્રાલયે લોકોને સાવધાની રાખવાની સૂચના આપી છે. ચીનમાં સૌથી વધારે સ્થિતિ છે અને તેની પાછળ કોરોના વાયરસના ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF7ને જવાબદાર ગણાય છે, જેણે ત્યાં તબાહી મચાવી રાખી છે, તેણે ભારતમાં પણ પ્રવેશ કર્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટ્સ BF7ના સંક્રણણના ચાર કેસ નોંધાયા છે. જેમાં ગુજરાત અને ઓડિશામાં આ BF7 વેરિઅન્ટના કેસ નોંધાયા છે. BF7 એ Omicronના BA5નું સબ- વેરિયન્ટ્સ છે. આ વેરિયન્ટને ઓમિક્રોન સ્પોનના નામે પણ ઓળખવામાં આવે છે. BF7 સબ વેરિયન્ટ્સને ભારતમાં પહેલીવાર ઓક્ટોબરમાં જોવા મળ્યો હતો.
શું કોરોના BF7 અત્યંત વધારે ચેપી છે?
સબ-વેરિઅન્ટ BF7 વિશે સૌથી ખતરનાક બાબત એ છે કે જે લોકોએ કોરોના વેક્સીનના ડોઝ લીધા છે તેઓ પણ આ વેરિયન્ટથી સંક્રમિત થઈ શકે છે. આ ઓમિક્રોન વેરિયન્ટ BF7 સંક્રમણના અમેરિકા, યુકે અને બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા યુરોપિયન દેશો સહિત ઘણા દેશોમાં કેસ નોંધાયા છે.
કોરોના BF7ના લક્ષણો
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ BF7 લક્ષણોની વાત કરીયે તો સામાન્ય ફ્લૂ જેવા જ છે. જેમાં શરદી, ઉધરસ, તાવ, કફ, શરીરમાં દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, આ સંક્રમણ ઓછા સમયમાં ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતો કહે છે કે જાહેર સ્થળોએ સાવચેતી રાખવાની જરૂર છે. અહેવાલો અનુસાર BF7 સ્ટ્રેન અપર રેસ્પિરેટરી સ્ટ્રેનને સંક્રમિત કરે છે. તેથી તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, નાક વહેવી, નબળાઇ, થાક જેવા લક્ષણો દેખાય છે. કેટલાક ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો પણ જોવા મળે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, નવા સબવેરિયન્ટપણ અગાઉના વેરિયન્ટના કુદરતી સંક્રમણને કારણે વિકસીત થયેલી રોગપ્રતિકારક શક્તિને પણ ઝડપથી નષ્ટ કરી નાંખે છે.
ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરો
નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે લોકોને કોરોના વેક્સીન અને તેના બૂસ્ટર ડોઝ લેવા તેમજ ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી. તેમણે લોકોને ન ગભરાવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે અત્યાર સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પેસેન્જર માટેની ગાઇડલાઇન્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોલે કહ્યું, ‘લોકોએ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા જોઈએ. જે લોકોને પહેલાથી જ કોઈ બીમારી કે રોગ છે અથવા વૃદ્ધ છે તેઓએ ખાસ કરીને સાવચેતી રાખીને નિયમોનું પાલન કરવું જોઈએ.
ચીનમાં BF7 વેરિયન્ટના દર્દીઓની સંખ્યા કેમ વધી રહી છે?
જો કે ચીનમાં કોરોનાએ તબાહી મચાવી છે, પરંતુ ચીનમાં હજુ સુધી દરેકને વેક્સીન રસી મળી નથી. ચીનની ઉંમરલાયક અને વૃદ્ધ વસ્તીમાં બહુ ઓછા લોકોને રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો કોઈ વૃદ્ધ વ્યક્તિને પહેલાથી જ કોઈ અન્ય રોગ છે, તો કોરોનાથી સંક્રમિત થયા પછી તેની સ્થિતિ વધુ ગંભીર બનવાના કિસ્સાઓ સામે આવ્યા છે.