Cyclone Biparjoy on Pakistan & Gujarat IMD update : ચક્રવાત બિપરજોય ગુજરાતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ મોટી તબાહી મચાવશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ઉત્તર – પશ્ચિમ ક્ષેત્રમાં ભાર વરસાદના કારણે ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને 140 થી વધારે લોકો ઘાયલ થયા છે. ઉપરાંત પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ચક્રવાત ભારે તબાહી મચાવી રહ્યુ છે.
પાકિસ્તાન સરકારે આકસ્મિક બેઠક બોલાવી
ચક્રવાત બિપરજોયની ભયાનકતાને ધ્યાનમાં રાખી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે અધિકારીઓ સાથે આપતકાલીન બેઠક યોજી છે. હવામાન વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે ચક્રવાત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પાકિસ્તાનના દક્ષિણ વિસ્તારમાં ત્રાટકી શકે છે.
ભારતીય હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે કે ચક્રવાત બિપરજોય થોડાંક જ કલાકમાં અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી લેશે. તેની સાથે જ ગુજાત રાજ્યમાં તીવ્ર વરસાદ વરસવાનું શરૂ થઇ જશે. માછીમારોને દરિયામાં માછીમારી કરવા ન જવા ચેતવણી અપાઇ છે. ઉપરાંત NDRFની ટીમને ઘણા રાજ્યોમાં એલર્ટ પર રાખવામાં આવી છે. દરિયા કિનારો ધરાવતા રાજ્યોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ છે. ચક્રવાત બિપરજોયનો કહેર માત્ર ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં પણ જોવા મળશે. અરબ સાગરમાં ઝડપથી આગળ વધી રહેલો ચક્રવાત બિપરજોય 150 કિમી પ્રતિકલાકની ઝડપી પાકિસ્તાનના દક્ષિણ પ્રાંતમાં ત્રાટકી શકે છે.
ચક્રવાતની પહેલા જ પાકિસ્તાનમાં 25 લોકના મોત
એસોસિએટેડ પ્રેસે શનિવારે પાકિસ્તાનના અધિકારીઓના હવાલાથી કહ્યુ કે, ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બન્નૂ,લક્કી મરવત અને કરક જિલ્લામાં ભારે વરસાદથી ઝાડ મૂળમાં ઉખડી જતા પડી ગયા હતા અને વીજ થાંભાલા પણ નીચે પડી ગયા છે. ઉપરાંત ચક્રવાતના કારણે વિવિધ ઘટનાઓમાં 25 લોકોના મોત થયા છે અને 140થી વધારે લોકો ઘાયલ થયા છે.
ગત વર્ષે 1700 લોકોએ જીવ ગુમાવ્યો હતો
પાકિસ્તાનમાં પાછલા વર્ષે ભયંકર પુર આવ્યુ હતું. ગત વર્ષે પાકિસ્તાનમાં આવેલા ભયંકર પુરમાં 1700 લોકોના મોત થયા હતા અને 80 લાખ લોકો વિસ્થાપિત થયા હતા.
ગુજરાતના સૌરાષ્ટ્ર – કચ્છમાં યલો એલર્ટ
ચક્રવાત બિપરજોય ગુજરાતમાં તબાહી મચાવશે તેવી આશંકા વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગે ગુજરાતના સોરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે યલો એલર્ટ જાહેર કર્યુ છે. રવિવારે બપોરે 11.30 કલાકે ચક્રવાત પોરબંદરથી 450 કિમી, દ્વારકાથી 490 કિમી અને નલિયાથી 570 કિમી દૂર હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર ચક્રવાત સૌરાષ્ટ્ર – કચ્છ અને પાકિસ્તાનના દરિયા કિનારે 15 જૂનના રોજ બપોરની આસપાસ ત્રાટકી શકે છે.
આ પણ વાંચો- ગુજરાત પર ચક્રવાત બિપરજોયનું સંકટ, દરિયો તોફાને ચડ્યો, વરસાદ શરૂ