Dubai Police : સોશિયલ મીડિયા પર ઓરા ફાર્મિંગ હાલ ટ્રેન્ડમાં છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટિકટોક જેવા પ્લેટફોર્મ પર યુઝર્સનાઓરા ફાર્મિંગ કરતા ઘણા વીડિયો છે. ‘ઓરા ફાર્મિંગ’ સોશિયલ મીડિયામાં લાઈક્સ અને શેર માટે યુઝર્સને ખતરનાક સ્ટંટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે . દુબઈ પોલીસે તાજેતરમાં સોશિયલ મીડિયા યુઝર્સ પર કડક કાર્યવાહી કરી હતી, જેઓ રસ્તાઓ પર ખતરનાક સ્ટંટ કરતા હતા.
વાયરલ વીડિયો પછી પોલીસે કાર્યવાહી કરી
સોશિયલ મીડિયા પર ખ્યાતિ મેળવવાના પ્રયાસમાં જાહેર રસ્તાઓ પર ખતરનાક સ્ટંટ કરતા પકડાયા બાદ દુબઈ પોલીસે બે લક્ઝરી કાર જપ્ત કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પછી પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.
એક વીડિયોમાં ડ્રાઇવર તેની ચાલતી કારમાં હૂડ પર ચઢી ગયો હતો અને કન્ટેન્ટ ફિલ્માવતો હોય તેમ તેના હાથ બાજુ તરફ હલાવી રહ્યો હતો. બીજા કિસ્સામાં ડ્રાઇવર સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવા માટે ચાલતી કારમાં બોનેટની અંદર ચઢી ગયો હતો.
ટ્રાફિક કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
દુબઈ પોલીસના ટ્રાફિક વિભાગના કાર્યકારી નિર્દેશક બ્રિગેડિયર બિન સુવૈદાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બેદરકારીભર્યું વર્તન ડ્રાઇવરો અને અન્ય માર્ગ ઉપયોગકર્તાની સલામતી માટે ગંભીર ખતરો છે. તે ટ્રાફિક કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે અને તેને સહન કરી શકાય તેમ નથી. બંને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને ડ્રાઇવરોને 50,000 દિરહામ (11.93 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ટેરિફ બોમ્બ : ટ્રમ્પના નારાજ થવાના બે કારણો, શાંત દેખાઇ રહેલા ભારતની ફુટનીતિ પણ સમજો
બ્રિગેડિયર બિન સુવૈદાનના જણાવ્યા મુજબ દુબઈ પોલીસ રસ્તાઓ પર જોખમી સ્ટંટ અને બેદરકારીભર્યા વર્તન પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે. તેમણે સોશિયલ મીડિયા પર આવા વર્તનને શેર કરવા સામે પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જાહેર રસ્તાઓ સ્ટંટના મેદાન નથી અને આવા ખતરનાક કૃત્યોને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.





