Turkey Earthquake Today Live Updates: સોમવારે વહેલી સવાર બાદ તુર્કી અને સીરિયા દેશોમાં એક પછી એક એમ ત્રણ વખત શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા હતા. આ ભયંકર ભૂકંપને તુર્કી અને સીરિયામાં તબાહી સર્જી હતી. અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. શક્તિશાળી ભૂકંપમાં તુર્કી અને સીરિયામાં બંને દેશોના કુલ 5000થી વધુના લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. જ્યારે બંને દેશોના હજારો લોકો ઘાયલ થયા છે. બંને દેશોમાં ભૂકંપે તબાહીના દ્રશ્યો સર્જયા છે. લોકોમાં ભયનો માહોલ છે. બીજી તરફ ભારતે પણ આ દેશોની મદદ માટે એનડીઆરએફની ટીમો મોકલી આપી છે.
તુર્કીમાં ત્રણ શક્તિશાળી ભૂકંપ
તુર્કીમાં સોમવાર સવાર બાદ ત્રણ મોટા ભૂકંપ આવ્યા હતા. જેમાં ક્રમશઃ 7.8, 7.6 અને 6.0 ની તીવ્રતા નોંધાઈ હતી. – આજે તુર્કીમાં 3,400 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા. મૃત્યુ અને વિનાશ તુર્કી અને પડોશી સીરિયામાં થયો છે. છેલ્લા બે ભૂકંપ 7.8ની તીવ્રતાના પ્રથમ કિલર ભૂકંપના કલાકો પછી આવ્યા હતા. સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે.
ભારતે એનડીઆરએફની ટીમો મોકલી
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ પી કે મિશ્રાએ તુર્કી માટે રાહત પગલાં નક્કી કરવા માટે સાઉથ બ્લોકમાં એક બેઠક યોજી હતી. NDRFની બે ટીમો જેમાં પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેઓને ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવશે.
પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ અને આવશ્યક દવાઓ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે. તુર્કીની સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ અને ઈસ્તાંબુલમાં કોન્સ્યુલેટ જનરલ ઓફિસ સાથે સંકલન કરીને રાહત સામગ્રી મોકલવામાં આવશે.
ભૂકંપ વિશે જાણવા જેવા 10 પોઈન્ટ્સ
- ભૂકંપથી તુર્કીમાં સેંકડો બિલ્ડિંગો ધરાશાયી થઇ છે. પ્રભાવિત વિસ્તારોમાં મસ્જિદોના શેલ્ટર હોમ ખોલી દીધા છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે ભારત પણ સામે આવ્યું છે. NDRFની બે ટીમ મદદ માટે તુર્કી મોકલવામાં આવશે.
- તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઇરદુગાનના મતે ભૂકંપના ઝટકા 6 વખત અનુભવાયા છે. તેમાં સૌથી મોટો ઝટકો 40 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જે 7.8ની તીવ્રતાનો હતો.
- તુર્કીના ઉપ રાષ્ટ્રપતિ ફુઅત ઓકટેએ જણાવ્યું કે પ્રભાવિત વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તો માટે દરેક મદદ કરવામાં આવી રહી છે.
- તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપમાં લોકોના મોત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાની અને સંપત્તિના નુકસાનથી વ્યથિત છું. શોત સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. ભારત તુર્કીના લોકો સાથે એકજુટતા સાથે ઉભું છે અને આ ત્રાસદીથી નિપટવા માટે દરેક સંભવ સહાયતા આપવા માટે તૈયાર .
- સીરિયામાં ભૂકંપથી 237 લોકોના મોત થયા છે. જ્યારે 516 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં 47 લોકોના માર્યા જવાની પૃષ્ટી થઇ છે. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાં બિલ્ડિંગોને સૌથી વધારે થયું છે.
- યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (United States Geological Survey-USGS)ના મતે ભૂકંપ જમીનથી લગભગ 24.1 કિલોમીટર (14.9 માઇલ) ની ઊંડાઇએ આવ્યો હતો. તેનું કેન્દ્ર તુર્કીના ગાઝિઆન્ટેપ પ્રાંતમાં નૂરદાગીથી 23 કિલોમીટર (14.2 માઇલ) પૂર્વમાં સ્થિત છે.
- તુર્કી ઉપરાંત સાયપ્રસ, ગ્રીસ, જોર્ડન, લેબેનોન, સીરિયા, ઈરાક, જ્યોર્જિયા અને આર્મેનિયામાં પણ આંચકા અનુભવાયા હતા.તુર્કીમાં આ પહેલા 1939માં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 32 હજારથી વધારે લોકોના મોત થયા હતા.





