દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. ડરના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપના ઝટકો રાત્રે લગભગ 10 કલાકને 20 મિનિટ પર અનુભવાયો હતો.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 આંકવામાં આવી છે. ભૂકંપના આંચકા ભારત સિવાય અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, કિર્ગીસ્તાનમાં પણ અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈયઝાબાદમાં હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં લુધિયાનાની એક મહિલાએ કહ્યું કે હું સોફા પર બેઠી હતી અને પોતાના પુત્ર સાથે વાત કરી હતી. તે સમયે મને આંચકો અનુભવાયો હતો. મેં બધાને એલર્ટ કર્યા. બધા લોકો બહાર નીકળી આવ્યા હતા.
જમ્મુના કટરામાં ભૂકંપ પછી રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી. એક ગેસ્ટ હાઉસના માલિક શુભમે કહ્યું કે ભૂકંપ પછી અહીં રહેલા શ્રદ્ધાળુ હોટલ છોડીને રસ્તા પર આવી ગયા હતા. માતાની કૃપાથી અહીં કોઇ જાન-માલનું નુકસાન થયું નથી. લોકો ડરેલા છે.
દિલ્હીમાં ભૂકંપના ક્યારે-ક્યારે આંચકા અનુભવાયા
દિલ્હીમાં ભૂકંપના આંચકાની વાત કરીએ તો, અગાઉ 24 જાન્યુઆરી 2023ના રોજ, 9 નવેમ્બર 2022ના રોજ 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉ 5 જુલાઈ, 2021ના રોજ 3.7 તીવ્રતાનો, 13 એપ્રિલ, 2020ના રોજ 2.7, 12 એપ્રિલ, 2020ના રોજ 3.7, 20 ડિસેમ્બર, 2019ના રોજ 6.3 અને 24 એપ્રિલ, 2018ના રોજ 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
વૈજ્ઞાનિકો શું કહે છે?
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 5 થી વધુની તીવ્રતાનો ભૂકંપ દિલ્હી NCR માટે ખતરનાક બની શકે છે. ઘણી વખત લોકો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની સુરક્ષા કરી શકે.
ભૂકંપનું કારણ
પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે દબાણ વધે છે, પ્લેટો તૂટી જાય છે. તેમના ભંગાણને કારણે, અંદરની ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. આ પ્રક્રિયા પછી ભૂકંપ આવે છે.