Elon Musk New Political Party: ટેસ્લા અને X ના ચેરમેન એલોન મસ્કે અમેરિકામાં નવી રાજકીય પાર્ટીની રચનાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે તેઓ નવી પાર્ટી દ્વારા ‘એક પાર્ટી સિસ્ટમ’ને પડકાર આપશે. એલોન મસ્કે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું હતું અને સૌથી વધુ ભંડોળ પણ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે તેમને પોતાની સરકારમાં સામેલ કર્યા હતા, પરંતુ બિગ બ્યૂટીફૂલ બિલના કારણે બંને વચ્ચે ટકરાવ થયો હતો.
બિગ બ્યૂટીફૂલ બિલના કારણે એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારથી પોતાને અલગ કરી લીધા હતા. મસ્કે દાવો કર્યો હતો કે આનાથી અમેરિકાનું દેવું વધશે. એલન મસ્કે જાહેરાત કરી હતી કે જો આ બિલ પાસ થશે તો તેઓ રાજકીય પક્ષ બનાવશે. તો બીજી તરફ અમેરિકામાં વન બિગ બ્યૂટીફૂલ બિલ પાસ થઇ ગયું હતું અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ સત્તાવાર રીતે તેના પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી, તેમની જાહેરાત હેઠળ, એલોન મસ્કે હવે તેમની નવી રાજકીય પાર્ટીની રચના કરી છે, જેનું નામ અમેરિકા પાર્ટી રાખવામાં આવ્યું છે.
એલોન મસ્કે રાજકીય યોજના
એલોન મસ્કની પાર્ટીને અમેરિકા પાર્ટી કહેવામાં આવે છે. એલોન મસ્કે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, “જ્યારે આપણા દેશને વિનાશ અને ભ્રષ્ટાચારથી દેવાદાર કરવાની વાત આવે છે, ત્યારે આપણે લોકશાહીમાં નહીં પણ એક જ પક્ષની સિસ્ટમમાં જીવીએ છીએ.” આજે અમેરિકા પાર્ટીની રચના તમને આઝાદી પાછી અપાવવા માટે કરવામાં આવી છે.
X પર કર્યો હતો પોલ
એલોન મસ્કે અગાઉ એક્સ પર એક પોલ કર્યો હતો. તેમાં તેમણે પૂછ્યું હતું કે, શું તેઓ એ સિસ્ટમથી મુક્તિ ઇચ્છે છે કે જે લગભગ બે સદીઓથી અમેરિકન રાજકારણમાં પ્રભુત્વ ધરાવે છે. હા અથવા ના સર્વેક્ષણને 1.2 મિલિયનથી વધુ પ્રતિસાદ મળ્યા હતા.
આ પછી એલોન મસ્ક દ્વારા બીજી પોસ્ટ કરવામાં આવી હતી. તેમણે શનિવારે પોસ્ટ કર્યું હતું કે, “2 થી 1 ના ગુણોત્તરમાં તમારે એક નવો રાજકીય પક્ષ જોઈએ છે અને તમને તે મળશે!” આ પછી, એલન મસ્કે બે મોઢાવાળા સાપ સાથે એક મીમ શેર કર્યું હતું. તેના કેપ્શનમાં લખ્યું હતું, “યૂનિપાર્ટી ને સમાપ્ત કરો.” મસ્કે એક્સ પર લખ્યું હતું કે, “આ કરવાનો એક રસ્તો એ છે કે માત્ર 2 અથવા 3 સેનેટ બેઠકો અને 8 થી 10 હાઉસ ડિસ્ટ્રિક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું.”
નોંધપાત્ર વાત એ છે કે એક્સ પર એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર વાર્તાલાપ થયો હતો. ટ્રમ્પે તો એલન મસ્કનો બિઝનેસ બંધ કરવાની અને તેમને દેશમાંથી હાંકી કાઢવાની વાત પણ કરી હતી, જેની પણ એલોન મસ્કે તીખી પ્રતિક્રિયા આપી હતી.





