Neuralink Brain Chip : અબજોપતિ એલોન મસ્કે આખરે એ કામ કરી બતાવ્યું છે જે અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે એક્સ (ટ્વિટર) પર માહિતી આપી છે કે તેમના ટેક સ્ટાર્ટઅપ Neuralink સફળતાપૂર્વક માણસના મગજમાં બ્રેઇન ચિપ લગાવી દીધી છે. મસ્કનું કહેવું છે કે વ્યક્તિ સંપૂર્ણ રીતે ઠીક છે.
મસ્કે એક્સ પર એક પોસ્ટમાં સમજાવ્યું હતું કે આ બ્રેઇન ચિપને ‘ટેલિપથી’ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે આ બ્રેઈન ચિપ લગાવ્યા બાદ કોઈપણ વ્યક્તિ માત્ર વિચારીને જ પોતાની આસપાસના ગેજેટ્સને કંટ્રોલ કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ બ્રેઈન ચિપનો ફાયદો સૌથી પહેલા તે લોકોને મળશે જે દિવ્યાંગ છે. મસ્કે પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનો હવાલો આપ્યો હતો.
મસ્કના જણાવ્યા અનુસાર પ્રારંભિક અવલોકનો સૂચવે છે કે માનવ હિલચાલમાં નોંધપાત્ર વધારો થયો છે. આનો અર્થ એ છે કે જે વ્યક્તિના મગજમાં ચિપ લગાવવામાં આવી છે તેણે ચેતના આવેગમાં વધારો દર્શાવ્યો છે. જણાવી દઈએ કે ગયા વર્ષે મે (2023) માં યુએસ એફડીએ એ મસ્કની કંપનીને બ્રેઇન ચિપ ઇમ્પ્લાન્ટ માટે માણસોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી.
આ પણ વાંચો – સંકોચાઈ રહ્યો છે ચંદ્ર, આવી રહ્યા છે ભૂકંપ અને ભૂસ્ખલન, NASAનું સપનું રોળાશે?
ન્યુરાલિંકની વેબસાઇટ પર પ્રકાશિત માહિતી અનુસાર સફળતાપૂર્વક ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલી બ્રેઇન ચિપને ઇન્સ્ટિટ્યૂશનલ રિવ્યુ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
Neuralink એટલે શું?
Neuralink એ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કની માલિકીની એક સ્ટાર્ટઅપ છે. તેની શરૂઆત વર્ષ 2016માં કેટલાક વૈજ્ઞાનિકો અને ઇજનેરોએ સાથે મળીને કરી હતી. આ કંપની બ્રેન ચિપ ઇન્ટરફેસ બનાવવાનું કામ કરે છે. આ ચિપને માણસના મગજમાં લગાવી શકાય છે.
નિષ્ણાંતોનું માનવું છે કે આ મગજની ચિપ એવા લોકોની મદદ કરશે જે ચાલી શકતા નથી. એટલે કે આ ચિપ શારીરિક રીતે અક્ષમ લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. માત્ર વિચારીને આ ચિપ પોતાની આસપાસના ઉપકરણોને કંટ્રોલ કરી શકશે અને તેઓ પહેલા કરતા વધુ સારી લાઈફ જીવી શકશે. આ બ્રેઈન ચિપની મદદથી ન્યુરલ સિગ્નલને કમ્પ્યૂટર, ફોન જેવા સ્માર્ટ ગેજેટ્સમાં ટ્રાન્સમિટ કરી શકાશે.
એલોન મસ્કની ટીકા પણ થઇ રહી છે
બ્રેઇન ચિપની સફળતા એક તરફ છે અને બીજી તરફ મસ્કની ટીકા થઇ રહી છે. મસ્કની કંપનીને આ બ્રેઈન ચિપ માટે ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ આ ચિપ લગાવવા માટે લેબમાં પ્રાણીઓ પર પરીક્ષણ કર્યું હતું.
2022માં કંપનીને અમેરિકામાં પણ તપાસનો સામનો કરવો પડ્યો હતો. મસ્કની કંપની પર આરોપ હતો કે ઉંદર, વાનર, ભૂંડ સહિત 1500થી વધુ જાનવરોની હત્યા કર છે. પરંતુ કંપનીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.