BBC Documentary : બીબીસીની ડોક્યુમેન્ટ્રીને ટ્વિટર પરથી હટાવી દેવાના એક સવાલ પર એલોન મસ્કે બુધવારે કહ્યું કે તે નથી જાણતા કે બીબીસી ડોક્યુમેન્ટ્રી સાથે જોડાયેલી સામગ્રી ટ્વિટરથી કેમ હટાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભારતમાં સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નિયમો ઘણા સખત છે.
આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બીબીસીની એક ડોક્યુમેન્ટ્રીને લઇને ઘણો વિવાદ થયો હતો. તેની દેશમાં ઘણી ટિકા થઇ હતી. ડોક્યુમેન્ટ્રીમાં 2002ના ગુજરાતના રમખાણોને બતાવવામાં આવ્યા હતા અને કથિત રુપથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. ડોક્યુમેન્ટ્રીને ભારતમાં સોશિયલ મીડિયા દ્વારા કોઇપણ પ્લેટફોર્મ પર શેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
એલોન મસ્કે બીબીસી બ્રોડકાસ્ટ લાઇવને ટ્વિટર સ્પેસ પર આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું તે સ્થિતિ વિશે વાસ્તવમાં જાણતો ન હતો. મને નથી ખબર કે તેને લઇને ભારતમાં શું થયું હતું. ઇન્ટરવ્યૂમાં એલોનને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ભારત સરકારના દબાણમાં ડોક્યુમેન્ટ્રી સાથે જોડાયેલા કન્ટેન્ટને ટ્વિટર પર પોસ્ટ કરવા દેવાયા ન હતા? તેના પર એલોન મસ્કે કહ્યું કે સોશિયલ મીડિયા શું જવું જોઈએ અને શું નહીં તેને લઇને ભારતમાં નિયમ ઘણા સખત છે અને અમે નિયમોની વિરુદ્ધ જઇ શકીએ નહીં. તેમણે કહ્યું કે અમારી પાસે વિકલ્પ હોય કે અમે નિયમોનું પાલન કરીએ કે અમારા લોકો જેલ જાય, તો અમે નિયમોનું પાલન કરવાનો વિકલ્પ જ પસંદ કરીશું.
આ પણ વાંચો – વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારની નિંદા કરનાર જ્યોર્જ સોરોસ ‘ખતરનાક’ : વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર
ભારત સરકારના સલાહકાર કંચન ગુપ્તાએ જણાવ્યું કે સરકારે ડોક્યુમેન્ટ્રી સાથે જોડાયેલા 50 ટ્વિટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેમાં ડોક્યુમેન્ટ્રીના વીડિયો પણ અટેચ હતા. તેમણે જણાવ્યું કે ડોક્યુમેન્ટ્રીને ભારતમાં બતાવવામાં આવી ન હતી પણ કેટલીક યૂટ્યુબ ચેનલો પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
એલોન મસ્કે ટ્વિટર પર PM નરેન્દ્ર મોદીને ફોલો કર્યા
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના માલિક એલોન મસ્કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું છે. અબજોપતિ એલોન મસ્ક દુનિયાના અમુક જ જાણીતા નેતાઓને ફોલો કરે છે, ત્યારે પીએમ મોદીને ફોલો કરવાનું શરૂ કરતા વિવિધ પ્રકારની અટકળો તેજ થઇ ગઇ છે. નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીને ટ્વિટર પર 87 મિલિયનથી વધારે લોકો ફોલો કરે છે. નરેન્દ્ર મોદીની ગણતરી દુનિયામાં સૌથી વધારે ફોલો કરવામાં આવતા અમુક લોકપ્રિય નેતાઓમાં થાય છે.