Trump vs Musk news: યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. અમેરિકાના બે બળીયાઓ જાણે જાની દુશ્મન બની ગયા છે. જાહેરમાં એકબીજા વિરુદ્ધ ટીકા કરી રહ્યા છે. એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરેલા બિગ એન્ડ બ્યૂટીફુલ બિલનો જાહેરમાં ખુલ્લેઆમ વિરોધ કરી ટ્રમ્પને ચોંકાવી દીધા હતા. સામે પક્ષે ટ્રમ્પે પણ મસ્ક વિરુદ્ધ નિરાશાજનક ટિપ્પણી કરી જાણે બળતામાં ઘી હોમ્યું છે.
ઘણા લોકોએ અમેરિકાના બે સૌથી શક્તિશાળી પુરુષો વચ્ચેનો સંબંધ કેટલો સમય ટકશે તે અંગે ટીકા કરી હતી. કેટલાકે આ વર્ષે ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો, જોકે તેઓ ખૂબ જ વહેલા અલગ થઈ ગયા છે અને એ પણ ખરાબ રીતે. અમેરિકાની ચૂંટણી સમયની વાત કરીએ તો બંને એકબીજા સાથે ઉભા હતા અને બંનેએ ધાર્યું હતું એવું પરિણામ પણ મેળવી બતાવ્યું હતું.પરંતુ હવે બધું બદલાઇ ગયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાં ટ્રમ્પ સરકારમાં મસ્કનું વર્ચસ્વ વધ્યું હતું અને સરકારી વિભાગોમાં છટણી સહિતની કામગીરી હાથ ધરી હતી. એવું લાગતું હતું કે ટ્રમ્પ સરકારમાં મસ્ક સુપર પાવર છે. પરંતુ આ જુગલ જોડી લાંબુ ટકી ન શકી અને હવે જાણે એકબીજાના દુશ્મન હોય એવી રીતે વર્તી રહ્યા છે. બંને વચ્ચેની તિરાડ એટલી મોટી બની છે કે જાહેરમાં એકબીજા સામે ટિપ્પણીઓ કરી રહ્યા છે.
મસ્ક અને ટ્રમ્પ વચ્ચેનો ઝઘડો જાણે વ્યક્તિગત બન્યો હોય એમ મસ્કે એટલે સુધી કહી દીધું કે જો હું ન હોત તો ટ્રમ્પ આ ચૂંટણી જીતી શક્યા ન હોત અને કદાચ તે રાષ્ટ્રપતિ પણ બન્યા ન હોત. સામે પક્ષે ટ્રમ્પ પણ આ વિવાદમાં પાછળ રહેવા માંગતા ન હોય એમ એલોન મસ્કના સરકારી કરાર રદ કરવાની ધમકી ઉચ્ચારી ચૂક્યા છે.
ટ્રમ્પ વિરુદ્ધ મસ્ક જાણો મતભેદ
ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની દોસ્તી ઉજાગર કરતી છેલ્લી જાહેર ઘટના 31 મેના રોજ ઓવલ ઓફિસમાં થયેલી પ્રેસ કોન્ફરન્સ હતી. જ્યાં ટ્રમ્પે મસ્કની પ્રશંસા કરી હતી અને મસ્કને વિશ્વના અત્યાર સુધીના સૌથી મહાન બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સ પૈકીના એક ગણાવ્યા.
ટ્રમ્પની આ પ્રેસ કોન્ફરન્સ બાદ મસ્ક વ્હાઇટ હાઉસથી અલગ થયા અને એમણે ટ્રમ્પ સરકારની જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું અને ટ્રમ્પ સરકારના સૌથી મહત્વના ગણાતા બિગ એન્ડ બ્યૂટીફુલ બિલનો જાહેરમાં વિરોધ કર્યો
મસ્કે એટલે સુધી કહી દીધું કે, આ બિલ ફેડરલ ખાદ્યમાં વધારો કરશે અને જેનાથી DOGE ના પ્રયાસોને પૂર્વવત કરશે. આમ કહી મસ્કે ટ્રમ્પ સરકાર સામે જાણે જાહેરમાં બાંયો ચડાવી. મસ્કે આ બિલને ડુક્કરના માંસથી ભરેલું અને ધૃણાસ્પદ ગણાવ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ વિવાદમાં પાછળ રહેવા માંગતા ન હોય એમ મસ્ક સામે જાહેરમાં આવ્યા. મસ્ક પર ઇલેકટ્રિક વાહન ટેક્સ ક્રેડિટ દૂર કરવાના કારણે આ બિલ પર તોડફોડ કરવાનો મસ્ક પર આરોપ લગાવતાં કહ્યું કે, ટેસ્લાના નફા પર બ્રેક લાગતાં કથિત વિરોધ થઇ રહ્યો છે.
ટ્રમ્પે એટલે સુધી કહ્યું કે, હું મસ્કથી ખૂબ જ નિરાશ છું. તે આ બિલના દરેક પાસાને જાણતો હતો. ટ્રમ્પના આવા નિવેદન સામે મસ્કે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, ટ્રમ્પ સરકારે આ અંગે મને કોઇ જાણ કર્યા વિના આ બિલ જાણે રાતના અંધારામાં પાસ કરી દીધું છે.
એલોન મસ્ક એ આગળ વધીને ટ્રમ્પના મહાભિયોગના આહવાનને સમર્થન આપ્યું અને ચેતવણી પણ ઉચ્ચારી કે ટ્રમ્પના વૈશ્વિક ટેરિફ વૈશ્વિક મંદીનું કારણ બનશે.
ગુરુવાર રાતથી મસ્કે ટ્રમ્પ અથવા બિલ વિશે 40 થી વધુ વખત ટ્વિટ કર્યું છે. “મારા વિના, ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત,” તેમણે ટ્રમ્પના “કૃતઘ્નતા” ની ટીકા કરતા લખ્યું. તેઓ એક યુઝર સાથે પણ સંમત થયા જેમણે કહ્યું હતું કે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવો જોઈએ અને તેમને પદ પરથી દૂર કરવા જોઈએ.
આ પણ વાંચો: ટ્રમ્પે 12 દેશોના નાગરિકો પર લગાવ્યો પ્રતિબંધ
ટ્રમ્પ અને મસ્ક અસાધારણ સિદ્ધિઓ ધરાવતા માણસો છે – ટ્રમ્પે એક અસાધારણ પુનરાગમન કર્યું જેણે યુએસ અને વિશ્વમાં ઇતિહાસ રચ્યો છે જ્યારે $420 બિલિયનની નેટવર્થ સાથે મસ્ક, ટેકથી લઈને અવકાશ, સોશિયલ મીડિયાથી લઈને ઇલેક્ટ્રિક મોબિલિટી સુધીના ઉદ્યોગોમાં પોતાનો પ્રભાવ ધરાવે છે.
અમેરિકાના બે સૌથી શક્તિશાળી પુરુષો વચ્ચેના સંબંધો – જે હવે ખૂબ જ ખરાબ, ખૂબ જ જાહેર બ્રેકઅપમાંથી પસાર થઈ રહ્યા છે – તેના કારણે કેટલાક ખૂબ જ પરિણામલક્ષી ફેરફારો થયા જેની ઊંડી અને કાયમી અસર પડી શકે છે.





