Imran Khan Arrested: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવી રહેલા વીડિયોમાં મોટી સંખ્યામાં પાકિસ્તાન રેન્જર્સ ઈમરાન ખાનને ધક્કો મારીને ગાડીમાં બેસાડી દે છે. મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખાન પર 100થી વધુ કેસ નોંધાયેલા છે અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડોનના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન રેન્જર્સે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના વકીલ ફૈઝલ ચૌધરીએ તેમની ધરપકડની પુષ્ટિ કરી હતી. પાકિસ્તાનની અન્ય એક ન્યૂઝ વેબસાઈટ જિયો ટીવીએ દાવો કર્યો છે કે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી એનએબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પીટીઆઈના ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું કે ઈસ્લામાબાદ હાઈકોર્ટ રેન્જર્સથી ભરાઇ ગયું અને વકીલો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ઇમરાન ખાનની કારને રેન્જર્સે ઘેરી લીધી છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલોએ અહેવાલ આપ્યો છે કે ઇમરાન ખાનને રેન્જર્સ દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો – કોણ છે ભારતીય મૂળના અજય ભુતોરિયા? અમેરિકન ચૂંટણી પહેલા કેમ તેમનું નામ છે ચર્ચામાં
અન્ય એક ટ્વિટમાં ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે ઇમરાન ખાનનું કોર્ટ પરિસરમાંથી અપહરણ કરવામાં આવ્યું છે. ઈમરાન ખાનને અજ્ઞાત લોકો કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. પીટીઆઈના અઝહર મશવાનીએ આરોપ લગાવ્યો હતો કે રેન્જર્સે કોર્ટની અંદરથી ઇમરાનનું અપહરણ કર્યું હતું. તેમણે કહ્યું કે પાર્ટીએ તરત જ સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનની અપીલ કરી છે.
આ પહેલા પીટીઆઈ નેતા મુસર્રત ચીમાએ એક વીડિયો સંદેશમાં કહ્યુ હતુ કે રેન્જર્સ ઈમરાનને ટોર્ચર કરી રહ્યા છે, ઈમરાન ખાનને મારી રહ્યા છે. પીટીઆઈએ ઈમરાન ખાનના વકીલનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે જણાવી રહ્યા છે કે તેમને ઈજા થઈ છે.