ફ્રાંસ સરકારના એક મહિલા મંત્રી માર્લીન શિયાપ્પાની તસ્વીર પ્લેબોય મેગેઝીનના કવર પેજ પર છપાતા ભારે વિવાદ મચ્યો છે. આ ફોટાને કારણે માર્લીન શિયાપ્પાને ફ્રાંસના નાગરિકો અને તેમની પાર્ટીના નેતાઓના રોષનો ભોગ બનવું પડ્યું છે. આટલું જ નહીં ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને પણ આ મામલે આપત્તિ વ્યક્ત કરી છે અને તેને ખોટું ગણાવ્યું છે. હાલ માર્લીન શિયાપ્પા ફ્રાંસની સરકારમાં સામાજિક અર્થવ્યવસ્થા મંત્રી છે.
માર્લીન શિયાપ્પા એ મહિલાઓ એલજીબીટી સમુદાયના અધિકારોને લઇને પ્લેબોય મેગેઝીનને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પ્લેબોય મેગેઝીનના કવર પેજ પ્રકાશિત થયેલા ફોટોમાં માર્લીન શિયાપ્પા સફેદ કલરના ડ્રેસમાં દેખાય છે. પ્લેબોય મેગેઝીન પર ફોટો છપાયા બાદ માર્લીન શિયાપ્પાએ ચારેય બાજુથી ભારે આલોચના – નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. તો ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને કહ્યું કે, આ હરકત અયોગ્ય છે, ખાસ કરીને ત્યારે જ્યારે દેશ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. ફ્રાંસ હાલના સમયે રાજકીય અને સામાજીક કટોકટીનો સામનો કરી રહ્યું છે. પેન્શન કાયદા સુધારણાને લઇને રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોના પગલાં બાદ દેશમાં વિવાદ સર્જાયો છે. વ્યાપક સ્તરે દેશમાં નવી નીતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
શિયાપ્પાએ આપ્યો વળતો જવાબ
તો બીજી બાજુ માર્લીન શિયાપ્પાએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે, ફ્રાંસમાં મહિલાઓ સ્વતંત્ર છે અને તે કંઇ પણ કરી શકે છે. માર્લીને ટ્વિટ કરતા લખ્યું કે, ‘મહિલાઓ પોતાના શરીરની સાથે જે ઇચ્છે તે કરી શકે છે… અને આપણે કોઇ પણ સ્થળે, દરેક સમયે તેમના અધિકારની રક્ષા કરવાની છે.’
માર્લીન શિયાપ્પા ઘણા સમયથી મહિલાઓના અધિકારોની તરફેણ કરે છે અને 2017માં તેમની ફ્રાંસમાં પ્રથમ લિંગ સમાનતા મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે દેશમાં નવા યૌન શોષણ કાયદો રજૂ કર્યો, જે રોડ-રસ્તાઓ પર મહિલાઓનો પીછો કરવા કે પરેશાન કરનાર પુરુષોને દંડ ફટકારવાની મંજૂરી આપે છે. માર્લીન શિયાપ્પા આ અગાઉ પણ ઘણી વખત વિવાદોમાં ફસાઇ છે.