Gambia Children Deaths News : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મેડેન ફાર્માસ્યુટિકલ્સ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ 4 કફ અને કોલ્ડ સિરપના તબીબી ઉત્પાદન અંગે ચેતવણી જાહેર કરી છે. ચેતવણીના સંદર્ભમાં, ડબ્લ્યુએચઓએ તેને કિડનીની ઇજાઓ અને ધ ગામ્બિયામાં 66 બાળકોના મોતના મામલા સાથે સંભવિત રીતે જોડ્યું છે.
રોઇટર્સે WHOને ટાંકીને કહ્યું કે, કંપની અને નિયામક અધિકારીઓ સાથે મળી વધુ તપાસ ચાલી રહી છે. WHOનું કહેવું છે કે, તે ભારતમાં કંપની અને રેગ્યુલેટરી ઓથોરિટી સાથે આ મામલે તપાસ કરી રહી છે. મેડેન ફાર્માસ્યુટિકલ્સે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ડબ્લ્યુએચઓએ તબીબી ચેતવણીમાં જણાવ્યું હતું કે, “ચાર ઉત્પાદનોમાંથી દરેકના નમૂનાઓના પ્રયોગશાળા વિશ્લેષણથી પુષ્ટિ મળી છે કે, તેમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની માત્રા છે જે અસ્વીકાર્ય છે.” ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓએ આજે ધ ગામ્બિયામાં મળેલી ચાર દૂષિત દવાઓ માટે તબીબી ઉત્પાદન અંગે ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી કિડનીની ગંભીર ઇજાઓ અને 66 મૃત્યુ સાથે સંભવિતપણે જોડાયેલી છે. બાળકોના મોતથી તેમના પરિવારજનો માટે મોટો આઘાત છે.
ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલે વધુમાં જણાવ્યું હતું કે, આ ચાર દવાઓમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ભારતમાં બનાવવામાં આવતી ખાંસી અને શરદીની સિરપનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આવા ઉત્પાદનો અત્યાર સુધી માત્ર ધ ગામ્બિયામાં જ મળી આવ્યા છે. શક્ય છે કે, તેઓ અન્ય દેશોમાં પણ સપ્લાય કરવામાં આવ્યા હોય. ડબ્લ્યુએચઓ દર્દીઓને વધુ નુકસાન અટકાવવા માટે તમામ દેશોમાં આવા ઉત્પાદનોને શોધવા અને દૂર કરવાની ભલામણ કરે છે.
બાળકોમાં કિડનીની તીવ્ર ઇજાના કેસોમાં સ્પાઇક જોવા મળે છે
ગેમ્બિયાની સરકારે ગયા મહિને કહ્યું હતું કે, જુલાઈના અંતમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં કિડનીની ગંભીર ઈજાના કેસોમાં વધારો જોવા મળ્યા બાદ તે બાળકોના મૃત્યુના કારણોની પણ તપાસ કરી રહી છે.