કેનેડાના કમિશનર સંજય કુમાર વર્માનું અમેરિકા અને કેનેડાને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાના કાવતરામાં ‘ભારતીય જોડાણ’ અંગે અમેરિકાએ કેટલાક ‘કાનૂની પુરાવા’ આપ્યા છે, પરંતુ કેનેડાએ હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધિત માત્ર આરોપો જ શેર કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા દ્વારા જે ‘ભારતીય જોડાણ’ ની વાત કરવામાં આવી છે, તેનો અર્થ ભારત સરકાર સાથે જોડાણ નથી પરંતુ ભારતમાં રહેતા કેટલાક લોકો સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વરિષ્ઠ ભારતીય અધિકારીએ આવું નિવેદન આપવું પડ્યું હોય.
ગયા અઠવાડિયે અમેરિકાએ દેશની ધરતી પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. અમેરિકન અધિકારીઓએ આ અંગે ભારત સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી કે, કદાચ ભારત સરકારને આ ષડયંત્રની જાણ હશે. કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસી ગયા હતા, તેનું મુખ્ય કારણ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું નિવેદન હતું, જેમાં તેઓ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યા હતા.
અમેરિકાએ આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું
ગયા અઠવાડિયે બ્રિટનના દૈનિક ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં અહેવાલ આવ્યાના કલાકોમાં, યુ.એસ.એ ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતુ અને કાવતરામાં સામેલ હોવાની ચિંતાઓ અંગે ભારતને ચેતવણી આપી હતી. જે બાદ ભારત તરફથી કહેવામાં આવ્યું કે, તેને ગંભીરતાથી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો – નેધરલેન્ડના ‘ડોનાલ્ડ ટ્રમ્પ’! ગીર્ટ વાઇલ્ડર્સથી મુસ્લિમો કેમ ડરી રહ્યા, આ ડર કેટલો વાજબી? જોઈએ આંકડા પરથી
કેનેડિયન ટીવી ચેનલ સીટીવી સાથેની એક મુલાકાતમાં, કેનેડિયન કમિશનર સંજય કુમાર વર્માને જ્યારે યુએસ ઇનપુટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું, “તે ઇનપુટ્સ અમેરિકામાં ગેંગસ્ટર, ડ્રગ સ્મગલર્સ, આતંકવાદીઓ અને બંદૂક ચલાવનારાઓ વચ્ચેની સાંઠગાંઠ છે અને આવી ધારણાના પુરાવા છે. અમેરિકાના દાવા મુજબ આમાં કેટલાક ભારતીયો પણ સામેલ છે, જે મુજબ ભારત તપાસ માટે તૈયાર છે. કારણ કે અમને એવા ઇનપુટ મળ્યા છે જે કાયદેસર રીતે પ્રસ્તુત છે.”





