India vs Canada : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ દરમિયાન કેનેડાએ આજે ભારતમાંથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. આ માહિતી કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ગુરુવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી. તે જ સમયે કેનેડાના એક પૂર્વ રાજદ્વારીએ કહ્યું છે કે, ભારતે કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહ્યું તે સામાન્ય ઘટના નથી. તેમણે કહ્યું કે, મને છેલ્લા 40 કે 50 વર્ષમાં આવી કોઈ ઘટના યાદ નથી કે, જ્યાં કોઈ દેશમાં આવું કંઈક બન્યું હોય.
જો કે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની નિર્ધારિત તારીખ 10 ઓક્ટોબર હતી, કેનેડાએ ભારત સાથે ખાનગી વાટાઘાટો દ્વારા મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વાટાઘાટો નિષ્ફળ ગઈ.
કેનેડાના વિદેશ મંત્રીએ શું કહ્યું?
કેનેડાના વિદેશ મંત્રી જોલીએ કહ્યું, ‘હું પુષ્ટિ કરી શકું છું કે, ભારતે 20 ઓક્ટોબર પછી 21 કેનેડિયન રાજદ્વારીઓ સિવાય તમામની રાજદ્વારી પ્રતિરક્ષા સમાપ્ત કરવાની તેની યોજના વિશે અમને જાણ કરી છે. રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અમે ભારતથી તેમની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી છે. આનો અર્થ એ થયો કે, ભારતમાં રહેતા 41 રાજદ્વારીઓ અને તેમના પરિવારોએ ભારત છોડી દીધું છે.
કેનેડાના વિદેશ મંત્રી જોલીએ વધુમાં કહ્યું હતું કે, ‘ભારતે આજે જે કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે, તેઓને કેનેડિયન રાજદ્વારીઓ તરીકે ભારતે માન્યતા આપી હતી અને તે તમામ રાજદ્વારીઓ સદ્ભાવનાથી અને બંને દેશોના વ્યાપક હિત માટે તેમની ફરજો નિભાવી રહ્યા હતા.
મેલાની જોલીએ વધુમાં કહ્યું કે, ‘કેનેડા ભારત સાથે સંપર્કમાં રહેવાનું ચાલુ રાખશે, પહેલા કરતા પણ વધુ, કારણ કે અમને જમીન પર (ભારતમાં) રાજદ્વારીઓની જરૂર છે. આપણે એકબીજા સાથે વાત કરવાની જરૂર છે. કેનેડા આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનું ચાલુ રાખશે, જે તમામ દેશોને સમાન રીતે લાગુ પડે છે.’
જોલીએ એમ પણ કહ્યું કે, અમને ભારત તરફથી આ પગલાની અપેક્ષા નહોતી. આ પ્રકારની ઘટના ક્યારેય બની નથી. કોઈપણ દેશના રાજદ્વારીઓના વિશેષાધિકારો અને પ્રતિરક્ષાને એકપક્ષીય રીતે સમાપ્ત કરવી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આ રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ રીતે છૂટ છીનવી લેવાની ધમકી આપવી બિનજરૂરી રીતે વિવાદને જન્મ આપી રહી છે. જેના કારણે કોઈપણ રાજદ્વારી માટે તે દેશમાં કામ કરવું મુશ્કેલ બને છે.
‘છેલ્લા 40-50 વર્ષમાં આવું બન્યું નથી’
ભારતના આ પગલા પર કેનેડાના પૂર્વ રાજદ્વારી ગાર પારડી કહે છે, ‘હું આવી ઘટના વિશે ક્યારેય વિચારી પણ ન શકું. કોઈ પણ દેશ સાથે રાજદ્વારી સંબંધો તોડીને દરેકને દેશની બહાર લઈ જવાનો વિચાર પણ ન કરી શકાય. મને યાદ નથી કે, છેલ્લા 40 કે 50 વર્ષમાં આવી કોઈ ઘટના બની હોય, જ્યાં આવું કંઈક બન્યું હોય. સોવિયેત રશિયા સાથે પણ નહીં, જ્યારે આપણા રાજદ્વારી સંબંધો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.
કેનેડાના અન્ય એક પૂર્વ રાજદ્વારી અને કેનેડાના એશિયા પેસિફિક ફાઉન્ડેશનના પ્રમુખ જેફ નાનકીવેલે પણ કહ્યું, ‘ભારતનું આ પગલું સામાન્ય નથી. હું આવી ઘટનાઓ વિશે વિચારી શકતો નથી. ભારતનું આ પગલું ચોક્કસપણે ઉદાહરણરૂપ નથી. જે પ્રકારના સમાચારો આવી રહ્યા છે તેનાથી ભારતમાં કેનેડાની રાજદ્વારી કામગીરી ખોરવાઈ જશે.
કેનેડા દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે આ મહિને 3 ઓક્ટોબરે કેનેડાને ભારત સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, જો રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવામાં નહીં આવે તો તેમની તમામ રાજદ્વારી પ્રતિરક્ષા દૂર કરવામાં આવશે.
કેનેડાની ન્યૂઝ વેબસાઈટના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી વિવાદ વધુ વધે તેવી શક્યતા નથી, કારણ કે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે, કેનેડાએ નિર્ણય લીધો છે કે, તે ભારતની કાર્યવાહી સામે કોઈ પ્રતિક્રિયા કરશે નહીં. એટલે કે, કોઈ પ્રતિક્રિયા આપશે નહીં.
કેનેડાએ 18 સપ્ટેમ્બરે ભારત પર આરોપ લગાવ્યો હતો
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો હતો, જ્યારે 18 સપ્ટેમ્બરે કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ ભારતના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનાક્રમ બાદ ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને 5 દિવસમાં દેશ છોડવાનો આદેશ પણ જારી કર્યો હતો. થોડા દિવસો પછી, ભારતે કેનેડાને આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને સંખ્યા કરતાં વધુને ટાંકીને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા કહ્યું હતું.
3 ઓક્ટોબરે ભારતે કેનેડા સરકારને તેના રાજદ્વારીઓને પાછા બોલાવવા અલ્ટીમેટમ આપ્યું હતું. ભારતે કેનેડાને તેના 41 વધારાના રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં નવી દિલ્હીમાંથી પાછા ખેંચવા કહ્યું હતું. ભારતે એમ પણ કહ્યું હતું કે, જો આ રાજદ્વારીઓ 10 ઓક્ટોબર પછી પણ ભારતમાં રહેશે તો, તેમની રાજદ્વારી પ્રતિરક્ષા પણ રદ કરવામાં આવશે.





