India Canada tension : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન, ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી છે.
પન્નુની ધમકીને લઈને કેનેડિયન હિંદુઓએ ટ્રુડો સરકારને પત્ર લખીને આતંકવાદીના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે. કેનેડિયન હિન્દુ સંગઠન ‘હિંદુ ફોરમ કેનેડા’ એ પન્નુના નિવેદનો પર જાહેર સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લેન્કને પત્ર લખ્યો છે. જેમાં જસ્ટિન ટ્રુડો અને એનડીપી નેતા જગમીત સિંહને ગુરપતવંત સિંહ પન્નુની ધમકીને હેટ ક્રાઈમ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
ટ્રુડોને કેનેડિયન હિન્દુ સંગઠનનો પત્ર
પત્રમાં લખવામાં આવ્યું છે કે, “કેનેડાનો હિંદુ સમુદાય તાકીદે ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને લઈને તેની ઊંડી ચિંતાઓ તરફ તમારું ધ્યાન દોરવા વિનંતી કરે છે. અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે, તે આ બાબતને અત્યંત ગંભીરતાથી લે કારણ કે, તે કેનેડિયન નાગરિકોની સુરક્ષાને સીધી અસર કરે છે. “
હિન્દુ સંગઠને પત્રમાં લખ્યું છે કે, “પન્નુએ પોતાના ખાલિસ્તાની સાથીદારોના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા છે, તેઓ એવા લોકોને નિશાન બનાવવા માંગે છે, જેઓ તેમની વિચારધારા સાથે સહમત નથી. આવી સ્થિતિમાં કેનેડાની સરકારે તેની ગંભીરતા ઓછી કરવી જોઈએ નહીં.” અમે આશા રાખીએ છીએ કે, કેનેડિયન પ્રશાસન આના પર ગંભીર પગલાં લેશે. આ પત્રમાં એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે કે, શું પન્નુના આ નિવેદનને અભિવ્યક્તિની સ્વતંત્રતા તરીકે લેવામાં આવશે.
કેનેડિયન હિંદુઓને પન્નુની ધમકી
ઉલ્લેખનીય છે કે, કેનેડા અને ભારત વચ્ચે વધતા તણાવ વચ્ચે, ખાલિસ્તાની અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડિયન હિન્દુઓને કેનેડા છોડી ભારત પાછા ફરવા કહ્યું છે. વાયરલ વીડિયોમાં પન્નુએ કહ્યું, “ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, તમે કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તમારી નિષ્ઠાને નકારી કાઢી છે. તમારું લક્ષ્ય ભારત છે. કેનેડા છોડો, ભારત જાઓ.”
જસ્ટિન ટ્રુડોના ભારત પર આરોપો
જસ્ટિન ટ્રુડોએ સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી એ આપણી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે અને અસ્વીકાર્ય છે.” ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા હતા. વાહિયાત અને વ્યક્તિગત હિતો દ્વારા પ્રેરિત તરીકે સંપૂર્ણ રીતે નકારવામાં આવે છે. કેનેડાના એક ભારતીય અધિકારીને આ મામલે હાંકી કાઢવાના જવાબમાં ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.





