india canada row : હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વણસ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ એવા નિવેદનો આપ્યા છે, જેના કારણે સ્થિતિ વણસી છે. હવે આ જ યાદીમાં ટ્રુડોએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. ફરી એક વખત નિજ્જરની હત્યા માટે ભારતની ટિકા કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે શક્તિશાળી દેશોએ આવું ન કરવું જોઈએ.
ટ્રુડોએ ફરી જૂનો રાગ આલાપ્યો
મીડિયાના સવાલના જવાબમાં પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે જ્યારે અમને ખબર પડી કે કેનેડિયન નાગરિકની હત્યામાં એક ભારતીય એજન્ટનો હાથ છે, તો અમે તરત જ ત્યાંની સરકારનો સંપર્ક કર્યો અને તેમને સહયોગ આપવા કહ્યું હતું. અમે આ ગંભીર મામલે અમેરિકા અને અન્ય મિત્ર દેશો સાથે પણ વાત કરી છે. ભારતનું નામ લીધા વગર ટ્રુડોએ તો ત્યાં સુધી કહી દીધું કે જો કોઈ દેશ શક્તિના બળ પર એ વિચારવા લાગે કે તે ખોટો નિર્ણય લેશે, આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરશે તો આખી દુનિયા બધા માટે ખતરનાક બની જશે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ સૈનિકોને કહ્યું – મારી ભારતીય સેના જ્યાં છે, તે સ્થળ કોઈ મંદિરથી ઓછું નથી
આ ઇન્ટરવ્યૂમાં ટ્રુડોએ સતત કહ્યું હતું કે તેમનો દેશ કાયદાનું પાલન કરે છે અને તે દિશામાં આગળ વધતો રહેશે. જાણકારી માટે જણાવી દઈએ કે થોડા મહિના પહેલા ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઇ હતી. કેનેડાએ તે હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું, તે પછી બન્ને દેશો વચ્ચેના સંબંધો ખરાબ થયા હતા. ભારતે કેનેડાના રાજદ્વારીને તાત્કાલિક પરત મોકલી દીધા હતા અને ત્યાંના નાગરિકોના વિઝા પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ટ્રુડો આવું કેમ કહી રહ્યા છે?
જસ્ટિન ટ્રુડો આ સમયે આટલા આક્રમક જોવા મળી રહ્યા છે તેમાં ઘણા કારણો માનવામાં આવી રહ્યા છે. ટ્રુડોના કાર્યકાળમાં દેશની વિદેશ નીતિ સંપૂર્ણપણે ભાંગી ગઇ છે એ વાત હવે જગજાહેર છે. ત્યાંના નિષ્ણાંતો સતત એમ કહી રહ્યા છે કે જસ્ટિન ટ્રુડોએ ઘણા દેશો સાથે સંબંધો બગાડ્યા છે. તેઓ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદીએ જી-20 સમિટ દરમિયાન ટ્રુડો પર વધારે ધ્યાન ન આપ્યું કારણ કે તેમણે ખાલિસ્તાનને લઇને વિવાદિત સ્ટેન્ડ લીધું હતું.





