રશિયા અને યુક્રેન વચ્ચે ફરી સંઘર્ષ વધી રહ્યો છે જેની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને તાત્કાલિક યુક્રેનમાંથી બહાર નીકળી જવાની સૂચના આપી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે એક નવી એડવાઈઝરી જારી કરી છે જેમાં તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડી દેવા જણાવ્યું હતું.
યુક્રેનમાં બગડી રહેલી સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે આવી જ એક એડવાઈઝરી જારી કરી આવી હતી અને હવે એક સપ્તાહથી પણ ઓછા સમયમાં ફરી નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
ભારતીય દૂતાવાસ દ્વારા 19 ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવેલી એડવાઈઝરીના અનુસંધાનમાં જ યુક્રેનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને ઉપલબ્ધ માધ્યમથી તાત્કાલિક યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે. નોંધનીય છે કે, અગાઉ જારી કરેલી એડવાઇઝરીને ધ્યાનમાં રાખી કેટલાંક ભારતીય નાગરિકો પહેલાથી જ યુક્રેન છોડી ચૂક્યા છે.
ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને જણાવ્યુ કે, યુક્રેનમાંથી બહાર નીકળવા માટે તેની સરહદ સુધી પહોંચવાની ખાતરી કરવા માર્ગદર્શન કે મદદ માટે તેમનો સંપર્ક કરી શકે છે. આ માટે ભારતીય દૂતાવાસે કેટલાંક હેલ્પ નંબર પણ જાહેર કર્યા છે જેના પર ફોન કરીને જાણકારી મેળવી શકાય છે. આ હેલ્પ લાઇન નંબર આ મુજબ છે :- 380933559958, 380635917881, 380678745945. તે ઉપરાંત ભારતીય દૂતાવાસની વેબસાઇટ પર જઇને પણ જાણકારી મેળવી શકાય છે.