Iran Israel Tension | ઈરાન ઈઝરાયેલ યુદ્ધ : 1 એપ્રિલના રોજ ઈઝરાયેલે સીરિયામાં ઈરાની એમ્બેસી પર અચાનક હુમલો કર્યો, જેની કોઈને અપેક્ષા પણ નહોતી. આ હુમલામાં ઈરાનના ટોચના સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. આ પછી ગઈ કાલે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. અમેરિકાએ પહેલા જ આ હુમલા અંગે ચેતવણી આપી હતી. જો કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલને ઈઝરાયેલે અટકાવી હતી. મોટી વાત એ છે કે, હવે ઈઝરાયેલ ઈરાનને તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.
ઈરાનના સીધા હુમલા બાદ ઈઝરાયેલની વોર કેબિનેટની રવિવારે ઈઝરાયેલમાં બેઠક મળી હતી અને એ વાત પર સહમતિ સધાઈ હતી કે, ઈઝરાયેલ જવાબી હુમલો કરશે. પરંતુ હુમલાના સમય અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ સાથે જ ઈઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝે ઈઝરાયેલને સમર્થન આપવા બદલ બ્રિટિશ વિદેશ સચિવ અને ફ્રાન્સના વિદેશ મંત્રીનો આભાર માન્યો છે.
બ્રિટને ખુલ્લેઆમ ઇઝરાયેલને સમર્થન આપ્યું હતું
બ્રિટને ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કહ્યું કે, અમારો દેશ ઈઝરાયેલ અને તેના લોકો સાથે ઉભો છે. બીજી તરફ અમેરિકાએ પોતાના સહયોગી દેશને મદદ કરવા માટે ઈઝરાયેલના પડોશી ઈસ્લામિક દેશો સાથે વાત કરવાનું શરૂ કરી દીધું છે. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને રવિવારે જોર્ડન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કીના સમકક્ષો સાથે અલગ-અલગ કોલમાં ઇઝરાયેલ અને ઇરાન દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે ચર્ચા કરી હતી. આ દેશો સાથેની વાતચીતમાં અમેરિકાએ એક વાતનો પુનરોચ્ચાર કર્યો કે, અમેરિકા દેશો વચ્ચે તણાવ વધારવા માંગતું નથી, પરંતુ ઈઝરાયેલના સંરક્ષણને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો – Iran Attack IB Israel : ઈરાનનો ઈઝરાયલ પર ડ્રોન મિસાઈલ વડે એટેક, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિએ બેઠક બોલાવી
ઈઝરાયેલ ઈરાન યુદ્ધ પર ભારતનું વલણ
વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે ઈઝરાયેલના સમકક્ષ કાત્ઝ અને ઈરાનના સમકક્ષ હોસેન અમીર-અબ્દોલ્લાહિયન સાથે ફોન પર વાત કરી હતી. આ પછી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, મેં આ ઘટના પર મારી ચિંતા વ્યક્ત કરી છે. વ્યાપક પ્રાદેશિક પરિસ્થિતિની ચર્ચા કરી. તેમજ તાત્કાલિક તણાવ ઓછો કરવા અપીલ કરી હતી. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની દુશ્મનીથી વધુ ચિંતિત છીએ. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. મંત્રાલયે તમામને હિંસાથી દૂર રહેવા અને કૂટનીતિના માર્ગ પર પાછા આવવાની અપીલ કરી છે.





