/indian-express-gujarati/media/media_files/2026/02/05/iran-conflict-us-venezuela-2026-02-05-11-21-16.jpg)
ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વેનેઝુએલા કરતા વધુ ભયાનક કેમ છે?
Iran vs Venezuela Geopolitical Crisis:છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. અમેરિકન દળોની જમાવટ બાદ હવે ઓમાનમાં બંને પક્ષો પરમાણુ કાર્યક્રમ અંગે વાતચીત કરવા જઈ રહ્યા છે. પરંતુ, ભૌગોલિક-રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો વેનેઝુએલા કરતા ઈરાનનું સંકટ વિશ્વ માટે અનેકગણું મોટું સાબિત થઈ શકે છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના નેશનલ બિઝનેસ એડિટર અનિલ શસી એ ટોક્યો સ્થિત મેનેજમેન્ટ એડવાઈઝર અને શેલ (Shell) ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ અજય સિંહ સાથે આ ગંભીર મુદ્દે ખાસ ચર્ચા કરી તેના આધારે આ મુદ્દાને અહીં સમજીએ.
તેલના ભાવ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નો ખતરો
જ્યારે પણ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય છે, ત્યારે તેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળે છે. અજય સિંહના મતે, અમેરિકા ઈરાન પર દબાણ લાવવા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરી રહ્યું છે. જો ખરેખર સંઘર્ષ ફાટી નીકળે, તો ઈરાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ને બ્લોક કરી શકે છે.
કેમ મહત્વનું છે?
વિશ્વના કુલ તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો 20% પુરવઠો અહીં છે. જો આ રસ્તો બંધ થાય તો તેલના ભાવ એટલા વધી શકે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કારણ કે આટલા મોટા જથ્થાનો કોઈ તાત્કાલિક વિકલ્પ નથી.
વેનેઝુએલા કરતા ઈરાન કેમ વધુ 'પાવરફુલ' છે?
વેનેઝુએલા પાસે પણ તેલ છે, પણ ઈરાન વધુ મહત્વનું છે. તેના કારણો નીચે મુજબ છે:
તેલની ગુણવત્તા
ઈરાન પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ભંડાર છે. તેનું તેલ ઉચ્ચ ગુણવત્તાનું છે અને ઓછા ખર્ચે કાઢી શકાય છે. તેની સરખામણીમાં વેનેઝુએલાનું તેલ અત્યંત ઘટ્ટ (sludge જેવું) છે, જેને કાઢવા માટે ગરમી આપવી પડે છે જે ખૂબ મોંઘું પડે છે.
સુપર-જાયન્ટ તેલક્ષેત્રો
ઈરાન પાસે આઝાદેગન જેવા વિશાળ તેલક્ષેત્રો છે. રસપ્રદ વાત એ છે કે, આ ક્ષેત્રોની નીચે 1980ના ઈરાન-ઈરાક યુદ્ધ સમયની હજારો જીવંત સુરંગો (Landmines) હજુ પણ દટાયેલી છે, જેને સાફ કરવી એક મોટો પડકાર છે.
ગેસનો ખજાનો
ઈરાન પાસે વિશ્વનો બીજો સૌથી મોટો ગેસ ભંડાર છે. 'સાઉથ પાર્સ' ફીલ્ડ વિશ્વનું સૌથી મોટું ગેસ ફીલ્ડ છે. જોકે, પ્રતિબંધોને કારણે ઈરાન તેનો પૂરો ફાયદો ઉઠાવી શક્યું નથી, જ્યારે પડોશી કતાર તેમાંથી વર્ષે 40 અબજ ડોલરની કમાણી કરી રહ્યું છે.
અમેરિકાનો અસલી ટાર્ગેટ શું છે?
અજય સિંહ માને છે કે અમેરિકા પશ્ચિમ એશિયામાં પોતાની રાજકીય પકડ અને તેલ બજારમાં પ્રભુત્વ ઈચ્છે છે. અમેરિકા અત્યારે વિશ્વનો ટોચનો તેલ અને LNG ઉત્પાદક છે. જો ઈરાનનો પરમાણુ વિવાદ ઉકેલાય, તો અમેરિકન કંપનીઓ ઈરાનના તેલ ઉદ્યોગમાં ટેકનોલોજી અને રોકાણ દ્વારા મોટો નફો મેળવી શકે છે.
ચીન કનેક્શન
ચીન અત્યારે ઈરાનનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્નર છે અને પ્રતિબંધો છતાં રોજનું 1.5 મિલિયન બેરલ તેલ ખરીદે છે. અમેરિકા ઈચ્છતું નથી કે તેનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી ચીન આ વિસ્તારમાં આટલું મજબૂત બને.
શું સત્તા પરિવર્તન (Regime Change) શક્ય છે?
ઈરાનના લોકોમાં અસંતોષ હોઈ શકે, પણ અજય સિંહ ચેતવણી આપે છે કે ઈરાન એક પ્રાચીન સભ્યતા ધરાવતો દેશ છે. તેઓ વિદેશી આધિપત્ય સ્વીકારે તેવા નથી. તેઓ ૧૯૫૩ની ઘટનાને હજુ ભૂલ્યા નથી જ્યારે અમેરિકાએ તેમના લોકતાંત્રિક વડાપ્રધાન મોહમ્મદ મોસાદેગને હટાવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા: ભારત હવે ઈરાન પાસેથી નહીં વેનેજુએલાથી ખરીદશે ઓઈલ
ઈરાકનું ઉદાહરણ આપણી સામે છે. 2003માં સદ્દામ હુસૈનને હટાવ્યા પછી જે અરાજકતા ફેલાઈ તેનાથી મધ્ય પૂર્વ હજુ સુધી બહાર આવી શક્યું નથી. અમેરિકાની એક ભૂલ ફરીથી ભયાનક વિનાશ નોતરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us