Israel Iran War News in Gujarati: ઈઝરાયેલ ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે.છેલ્લા બે દિવસમાં ઈરાનમાં 138 લોકોના મોત થયા છે. ઇઝરાયેલે ઇરાનના પરમાણુ મથકો પર ફાઇટર પ્લેનથી હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાએ રવિવારે કહ્યું કે તેણે તેહરાનમાં ઈરાનના રક્ષા મંત્રાલયના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે. ઇઝરાઇલી સૈન્યએ એમ પણ કહ્યું હતું કે, તેણે તેહરાનની આસપાસ ઇરાનના પરમાણુ કાર્યક્રમથી સંબંધિત કથિત મથકોને નિશાન બનાવ્યા છે.
ઇઝરાઇલના રક્ષામંત્રીએ ચેતવણી આપી હતી કે, જો ઇરાન નાગરિકોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે તો તેહરાન બળી જશે. પ્રધાનમંત્રી નેતન્યાહૂએ ઇરાનીઓને ખભેખભો મિલાવીને અવાજ ઉઠાવવા વિનંતી કરી હતી. તેના બદલામાં ઇરાને હુમલા વધારવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે હસ્તક્ષેપ કરશે તો તેમના બેઝને પણ નિશાન બનાવવામાં આવશે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને કહ્યું કે જો ઈઝરાયેલના હુમલા ચાલુ રહેશે તો તેઓ અમેરિકા સાથે પરમાણુ વાર્તામાં સામેલ નહીં થાય. પોતાના ફ્રાંસના સમકક્ષ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની વાતચીતમાં પેજેશકિયને કહ્યું હતું કે ઇરાન કૂટનીતિની તરફેણ કરે છે પરંતુ દબાણ હેઠળ અતાર્કિક માંગણીઓ સ્વીકારશે નહીં.
ઈઝરાયેલી સૈન્યના પ્રવક્તા ઈફી ડેફ્રીને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ઈરાનમાં ઈઝરાયેલી હવાઈદળના હુમલાનું કેન્દ્ર તેહરાન રહ્યું છે. “40 કલાકથી હુમલાઓનો સિલસિલો ચાલી રહ્યો છે, જેમાં 150 થી વધુ લક્ષિત ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો છે.
ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર વાર્તાલાપ
રશિયન સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક નવા ટેલિફોન કોલમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી, જેમાં પુતિને ઇરાન પર ઇઝરાયેલના હુમલાની નિંદા કરી હતી.
તુર્કીના રાષ્ટ્રપતિએ ઇરાન સાથે વાત કરી
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને આજે પોતાના ઈરાની સમકક્ષ મસૂદ પેજેશ્કિયાનને ફોન પર જણાવ્યું હતું કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આ વિસ્તારમાં આગ લગાવીને અને ઇરાન પર હુમલો કરીને પરમાણુ મંત્રણા નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.





