Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વિસ્ફોટક યુદ્ધ ચાલી રહ્યું છે. હજારો લોકોના મોત થયા છે, જમીન પર તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન બુધવારે ઈઝરાયેલના પ્રવાસે જવાના છે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે બાઈડેને ખુલ્લેઆમ ઈઝરાયેલનું સમર્થન કર્યું છે. તેમણે તે દેશોને ચેતવણી પણ આપી છે કે જેઓ આ યુદ્ધમાં હમાસને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ વડાપ્રધાન નેતન્યાહૂને પણ મળવાના છે. તે બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાન અને હિઝબુલ્લાહને ચેતવણી આપી છે. તેમણે સોમવારે ઇરાન અને હિઝબુલ્લાહને ઇઝરાયેલની કસોટી ન કરવા હાકલ કરી હતી. ઇઝરાયેલની સંસદ નેસેટમાં પોતાના ભાષણ દરમિયાન તેમણે સમગ્ર વિશ્વને એકજૂથ થઇને હમાસને હરાવવાની અપીલ કરી હતી. ઇઝરાયેલના પીએમે કહ્યું કે આ યુદ્ધ તમારું પણ યુદ્ધ છે. આ દરમિયાન તેણે હમાસની તુલના નાઝીઓ સાથે કરી હતી.
ગાઝા પટ્ટીમાં લાખો લોકો પોતાનું ઘર છોડીને ભાગી ગયા
ઈઝરાયેલ દ્વારા જમીન પર આક્રમણની આશંકા વચ્ચે ગાઝા પટ્ટીમાં 5 લાખથી વધુ લોકો પોતાનું ઘર છોડીને ભાગી ગયા છે. સહાયતા જૂથોએ ચેતવણી આપી છે કે ઇઝરાયેલનું જમીની આક્રમણ માનવતાવાદી કટોકટીને વધુ તીવ્ર બનાવી શકે છે. અમેરિકાના યુદ્ધજહાજોના મદદથી ઇઝરાયેલી દળોને ગાઝા સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે અને તેમણે યુદ્ધોભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો – ગાઝામાં મોતનો આંકડો 2400 ને પાર, હમાસે ઈજરાયલ પર લેબનાનથી રોકેટ હુમલા કર્યા
2,700થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ઈઝરાયેલી હુમલામાં 2,750 પેલેસ્ટીનીઓના મોત થયા છે અને લગભગ 10 હજાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ ઇઝરાયેલે જાણકારી આપી છે કે અત્યાર સુધી તેના 1400થી વધુ નાગરિકોના મોત થઇ ચૂક્યા છે. ઇઝરાયલે એવો પણ દાવો કર્યો છે કે નાના બાળકો સહિત તેના ઓછામાં ઓછા 199 નાગરિકોને હમાસે બંધક બનાવ્યા છે.
આ યુદ્ધ કેવી રીતે શરૂ થયું?
7 ઓક્ટોબરે આતંકી સંગઠન હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. તે હુમલામાં લગભગ 1,300 ઇઝરાયલીઓ માર્યા ગયા હતા. આ હુમલો અચાનક કરવામાં આવ્યો, એક સાથે સેંકડો રોકેટ છોડવામાં આવ્યા. તે હુમલા બાદ જ ઈઝરાયેલી સરકારે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી અને ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. હાલ ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. તે નક્કી કરવામાં આવ્યું છે કે ગાઝાને કોઈપણ કિંમતે ફરીથી કબજે કરવામાં આવશે. હાલમાં જ ઇઝરાયલની સેનાએ હમાસના ચીફ કમાન્ડરને પણ ઠાર માર્યો હતો.
ભારતનું ઓપરેશન અજય
ભારત સરકાર દ્વારા ઓપરેશન અજય સતત ચલાવવામાં આવી રહ્યું છે. ઇઝરાયેલમાં ફસાયેલા તમામ ભારતીયોને બહાર કાઢવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અત્યાર સુધીમાં ચાર વિશેષ ચાર્ટર્ડ ફ્લાઇટ્સમાં લગભગ 800 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.





