Israel Hamas War : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 700 થી વધુ લોકોના મોત થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી હતી. ગાઝા પર ઈઝરાયેલના સતત બોમ્બમારામાં એક જ દિવસમાં મૃત્યુનો આ સૌથી મોટો આંકડો છે. બંધક બનાવેલા લોકોમાંથી હમાસે ઇઝરાયેલની બે મહિલાઓને છોડી મુકી છે. તેમાંથી એક 85 વર્ષીય વૃદ્ધ મહિલાએ ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. તેણે કહ્યું કે અમે ત્યાં નર્કમાંથી પસાર થયા છીએ. મહિલાએ કહ્યું કે ઇઝરાયલે હમાસની ધમકીને ગંભીરતાથી લીધી નથી.
7 ઓક્ટોબરે જ્યારે હમાસે ઇઝરાયેલ પર વિનાશક હુમલો કર્યો હતો ત્યારે યોચેવેડ લિફશિટ્ઝ ગાઝામાં બંધક બનાવવામાં આવેલા લોકોમાંથી એક હતી, . મંગળવારે તેને અને અન્ય એક મહિલાને પેલેસ્ટિનિયન એન્ક્લેવમાં બે અઠવાડિયાની કેદ પછી મુક્ત કરવામાં આવ્યા હતા. લગભગ 220 બંધકો હજુ પણ હમાસના હાથમાં છે.
હું નર્કમાંથી પસાર થઇ – બંધક મહિલા
તેલ અવીવ હોસ્પિટલની બહાર વ્હીલચેરમાં બેઠેલા 85 વર્ષીય મહિલાએ પત્રકારોને કહ્યું કે હું નર્કમાંથી પસાર થઈ છું. અમે વિચાર્યું ન હતું કે અમે આ પરિસ્થિતિમાં પહોંચી જઇશું. અપહરણ કેવી રીતે થયું તે વાત સીએનએનને વર્ણવતા યોચેવેડે હિબ્રુમાં કહ્યું કે મારું એક મોટરસાઇકલ પર અપહરણ કરવામાં આવ્યું હતું. તેની પુત્રીએ વર્ણવ્યું કે કેવી રીતે તેમનું માથું મોટરસાયકલની એક બાજુએ હતું જ્યારે તેના પગ બીજી બાજુ લટકતા હતા.
આ પણ વાંચો – ડ્રગ્સનો હેવી ડોઝ લીધા બાદ હમાસે ઈઝરાયેલ પર કર્યો હતો હુમલો, ખિસ્સામાંથી નશીલી દવાઓ મળી
બંધકોને અંડરગ્રાઉન્ડ રાખવામાં આવ્યા
યોચેવેડે પત્રકારોને જણાવ્યું હતું કે મોટરસાઇકલની પાછળ લટકાવવામાં આવ્યા બાદ મને લાકડીઓ વડે માર મારવામાં આવ્યા હતો. આ પછી બાદ તેને અંડરગ્રાઉન્ડ કરી દીધી હતી. તેઓ ભીની જમીન પર થોડા કિલોમીટર ચાલ્યા, નીચે ટનલોનું એક વિશાળ નેટવર્ક છે. તેમણે કહ્યું કે તે કરોળિયાના જાળા જેવું લાગે છે. 85 વર્ષીય મહિલાએ કહ્યું કે ડોકટરો બંધકોની રાહ જોઈ રહ્યા હતા કારણ કે તેમને શરૂઆતમાં 25 ના જૂથોમાં અને પછી 5 ના નાના જૂથોમાં ભાગ પાડી દીધા હતા. તેના જૂથમાં કિબુટ્ઝની અન્ય વ્યક્તિઓનો સમાવેશ થતો હતો.
યોચેવેડે કહ્યું કે અમે ત્યાં પહોંચ્યા કે તરત જ લોકોએ અમને કહ્યું કે અમે કુરાનમાં વિશ્વાસ કરનારા લોકો છીએ અને તેઓ અમને નુકસાન પહોંચાડશે નહીં અને અમને તે જ પરિસ્થિતિ મળશે જે ટનલમાં મળે છે. યોચેવેડે કહ્યું કે ત્યાં ગાર્ડ અને એક પેરામેડિક અને એક ડૉક્ટર હતા. તે એ વાતનું ધ્યાન રાખતા હતા કે અમને તે જ દવા મળશે જે અમને જરૂર છે.
ગાઝામાં ઈઝરાયેલની સેનાની કાર્યવાહી બાદ 35માંથી 12 હોસ્પિટલો બંધ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ મંગળવારે જણાવ્યું હતું કે ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં વધારા વચ્ચે પ્રદેશની લગભગ બે તૃતીયાંશ હોસ્પિટલોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી બાદથી 72માંથી 46 સ્વાસ્થ્ય સુવિધાઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે. આ સાથે 35માંથી 12 હોસ્પિટલો બંધ કરી દેવામાં આવી છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ઇઝરાયેલી ઘેરાબંધીને કારણે પાવર જનરેટર્સ માટે ઇંધણની અછત, તેમજ હવાઈ હુમલાને કારણે થયેલા નુકસાનને કારણે ઘણી આરોગ્ય સુવિધાઓ બંધ કરવાની ફરજ પડી છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત દિવસોમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 700 થી વધુ લોકો માર્યા ગયા છે.





