Israel Hamas War News Update : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધથી લાખો લોકો પ્રભાવિત થયા છે. દરરોજ આવા ખતરનાક વીડિયો સામે આવે છે, જેને જોઈને રૂવાંડા ઉભા થઈ જાય છે. યુદ્ધને 17 દિવસથી વધુ થઈ ગયા છે. આ દરમિયાન ઈઝરાયેલમાં હમાસના પ્રથમ હુમલાનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, આ પછી જ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.
વાસ્તવમાં, 7 ઓક્ટોબરે, દક્ષિણ ઇઝરાયેલમાં નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં આતંકવાદી હુમલો થયો હતો. ઈઝરાયલે તેના ઓફિશિયલ એકાઉન્ટ પર આનો નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલના લોકો પર બર્બરતા કરી છે. વિડિયો જોયા પછી કોઈપણને દયા આવી જશે. દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે આતંકવાદીઓ એક પછી એક નિર્દોષ લોકો પર ગોળીબાર કરી રહ્યા છે. તેઓ ખૂબ જ નિર્દયતાથી લોકોનો જીવ લઈ રહ્યા છે.
કારથી રસ્તો બંધ
વીડિયોમાં આતંકવાદીઓ હાથમાં બંદૂક લઈને રસ્તા પર ક્રૂરતા કરતા જોવા મળે છે. રોડ પર એવી રીતે કાર પાર્ક કરવામાં આવી છે કે, રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. આતંકવાદીઓ ખુલ્લી જીપમાં રોડ પર આવે છે અને ધડાધડ ફાયરિંગ શરૂ કરે છે. એટલું જ નહીં, આતંકવાદીઓ તે કારની ઉપર ચઢી જાય છે અને આડેધડ લોકોને નિશાન બનાવીને ગોળીબાર કરે છે. આ પછી આતંકવાદીઓએ રસ્તા પર પાર્ક કરેલી કારને આગ પણ ચાંપી દીધી હતી.
નોવા ફેસ્ટિવલમાં 260 થી વધુ ઈઝરાયેલીઓ માર્યા ગયા હતા
ખુદ ઈઝરાયલે આ વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, આ નોવા ફેસ્ટિવલમાં થયેલા હુમલાનો વીડિયો છે. આ હુમલામાં 260 થી વધુ લોકોના મોત થયા હતા. આતંકવાદીઓએ રસ્તાઓ બંધ કરી દીધો હતો, જેથી લોકો ત્યાંથી ભાગી ન શકે. આતંકવાદીઓએ કારમાં બેઠેલા લોકોને પણ ગોળી મારી અને પછી તેને આગ ચાંપી દીધી. પગપાળા ભાગવાનો પ્રયાસ કરનારાઓને પણ ગોળી મારી દેવામાં આવી હતી.





