Israel Hamas Conflict : ઈઝરાયલ અને પેલેસ્ટાઈન ફરી એકવાર આમને-સામને છે. શનિવારે સવારે ગાઝાથી ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા અને પેલેસ્ટાઈનના સૈનિકો ઈઝરાયેૉલના એક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. ઇઝરાયેલની સેનાએ જણાવ્યું કે, ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. આ સંઘર્ષમાં અત્યાર સુધીનો આ સૌથી ઘાતક હુમલો કહેવાય છે.
ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ ઘણો જૂનો છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી ફરી એકવાર તણાવની સ્થિતિ હતી. પેલેસ્ટાઈનના આતંકી જૂથ ગણાતા હમાસે ઈઝરાયલ પર રોકેટ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે 5,000 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, હમાસે ઇઝરાયલના વિસ્તારમાં અનેક અલગ-અલગ સ્થળોએ ઘૂસણખોરી કરતી વખતે મોટા પ્રમાણમાં રોકેટ છોડ્યા હતા. ઇઝરાયલે તેને પેલેસ્ટાઈનના આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે અને બદલો લેવાની ચેતવણી આપી છે.
ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધનો ઇતિહાસ (Israel Palestine War History)
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ઘણો જૂનો છે. ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલની 2005ની વાપસી સાથે ફરી સંઘર્ષ શરૂ થયો છે. પેલેસ્ટાઈન હંમેશા કહે છે કે, ઈઝરાયલ દેશ બનાવવો એક છેતરપિંડી છે, તેણે પેલેસ્ટાઈનની જમીન પર બળજબરીથી કબજો કર્યો છે. ઑગસ્ટ 2005માં મધ્યપૂર્વમાં ઇજિપ્ત પાસેથી કબજો મેળવ્યાના 38 વર્ષ બાદ ઇઝરાયલની સેનાએ એકતરફી રીતે ગાઝામાંથી પીછેહઠ કરી અને તે વિસ્તારને પેલેસ્ટિનિયન સૈન્યના નિયંત્રણમાં છોડી દીધો હતો. 25 જાન્યુઆરી, 2006ના રોજ પેલેસ્ટાઈનની વિધાનસભા ચૂંટણીમાં હમાસે સૌથી વધુ બેઠકો જીતી હતી. હમાસ એક પેલેસ્ટિનિયન જૂથ હતું જેણે દેશની સ્વતંત્રતા માટે લડવાની વાત કરી હતી. હમાસે પણ ઈઝરાયેલના અસ્તિત્વને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું.
મતલબ કે, જ્યારે 25 જૂન, 2006ના રોજ ગાઝાથી સીમાપાર હુમલામાં હમાસ દ્વારા ઇઝરાયેલી સૈન્યના સૈનિક ગિલાદ શાલિતને પકડી લેવામાં આવ્યો ત્યારે સંઘર્ષ વધી ગયો હતો. પાંચ વર્ષથી વધુ સમય પછી, શાલિતને આખરે કેદીઓની અદલાબદલીમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
14 જૂન 2007ના રોજ, હમાસે ટૂંકા ગૃહયુદ્ધમાં ગાઝા પર કબજો મેળવ્યો, અને વેસ્ટ બેંકમાં રહેલા પેલેસ્ટાઈનના પ્રમુખ મહમૂદ અબ્બાસ પ્રત્યે વફાદાર ફતાહ સૈન્ય દળોને પશ્ચિમ કાંઠેથી હાંકી કાઢ્યા.
27 ડિસેમ્બર, 2008ના રોજ,પેલેસ્ટાઈન દ્વારા ઈઝરાયલના સેડરોડ શહેર પર રોકેટ ફેક્યા બાદ ઇઝરાયેલે ગાઝામાં 22-દિવસીય લશ્કરી આક્રમણ શરૂ કર્યું હતુ. યુદ્ધવિરામ સંમત થયા પહેલા લગભગ પેલેસ્ટાઇનના 1400 અને ઈઝરાયેલના 13 નાગરિકો માર્યા ગયા હતા. 14 નવેમ્બર 2012ના રોજ ઈઝરાયેલે હમાસના લશ્કરી વડા અહેમદ જબારીની હત્યા કરી હતી. જે બાદ તણાવ ઘણો વધી ગયો હતો.
જુલાઈ-ઓગસ્ટ 2014માં હમાસ દ્વારા ત્રણ ઈઝરાયેલી યુવાનોનું અપહરણ અને હત્યાને કારણે સાત સપ્તાહનું યુદ્ધ શરૂ થયુ, માં ગાઝામાં 2,100 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 73 ઈઝરાયેલીઓ માર્યા ગયા. માર્ચ 2018માં ઇઝરાયેલ સાથે ગાઝાની તાર વાળી સરહદ પર પેલેસ્ટિનિયન વિરોધ શરૂ થયો હતો. ઇઝરાયલી સૈનિકોએ દેખાવકારોને પાછળ ધકેલવા માટે ગોળીબાર કર્યો હતો. ઘણા મહિનાઓ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનમાં 170 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.
મે 2021માં રમઝાન માસ દરમિયાન અઠવાડિયાના તણાવ પછી, ઇસ્લામના ત્રીજા સૌથી પવિત્ર સ્થળ, જેરૂસલેમના અલ અક્સાના પરિસરમાં ઇઝરાયેલના સુરક્ષા દળો સાથેની અથડામણમાં સેંકડો પેલેસ્ટિનિયનો ઘાયલ થયા હતા. ઈઝરાયેલે પરિસરમાંથી સુરક્ષા દળોને પાછા ખેંચવાની માંગણી કર્યા બાદ હમાસે ગાઝાથી ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલે વળતા જવાબમાં ગાઝા પર હવાઈ હુમલા કર્યા હતા. આ લડાઈ 11 દિવસ સુધી ચાલી હતી, જેમાં ગાઝામાં ઓછામાં ઓછા 250 અને ઈઝરાયેલમાં 13 લોકો માર્યા ગયા હતા.
ઑગસ્ટ 2022, ઇઝરાયેલી હવાઈ હુમલામાં સિનિયર ઇસ્લામિક જેહાદ કમાન્ડર મર્યો ગયો ત્યારે શરૂ થયેલી ત્રણ દિવસની હિંસામાં 15 બાળકો સહિત ઓછામાં ઓછા 44 લોકો માર્યા ગયા. જાન્યુઆરી 2023માં પણ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.





