ઇઝરાયલે વળતો પ્રહાર કરતાં લેબનાન અને ગાજા પટ્ટી પર હવાઇ હુમલો કર્યો છે. આતંકી સંગઠન હમાસની હથિયાર બનાવતી ફેક્ટરીને નિશાન બનાવતાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ અગાઉ ઇઝરાયલ પર ગાજા પટ્ટી અને લેબનાનથી રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયલે લેબનાન અને ગાજા પટ્ટી પર ગુરૂવારે એર સ્ટ્રાઇક કરી હમાસના ઘણા અડ્ડાઓનો ખાતમો બોલાવ્યો છે. ઇઝરાયલે હવાઇ હુમલો કરી ગાજા પટ્ટી અને લેબનાનને જડબાતોડ વળતો જવાબ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલ પર ગાજા પટ્ટીથી 25 અને લેબનાનથી 34 જેટલા રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલી સુરક્ષા દળોએ વર્ષ 2006 બાદ આ સૌથી મોટો હવાઇ હુમલો કરી આતંકીઓને કરારો જવાબ આપ્યો છે. આ હવાઇ હુમલા બાદ ઇઝરાયલ અને ફિલિસ્તીન ફરી એકવાર આમને સામને આવી ગયા છે.
હમાસના રોકેટનો વળતો પ્રહાર
મીડિયા એજન્સી રોયટર્સ અનુસાર અલ અક્સા મસ્જિદ પર તાજેતરમાં ઇઝરાયલી પોલીસની કાર્યવાહી બાદ ગાજા પટ્રી પર કબ્જો જમાવી બેઠેલા આતંકી સંગઠન હમાસે ઇઝરાયલ પર રોકેટ હુમલા કર્યા હતા. આ દરમિયાન લેબનોન તરફથી પર ઇઝરાયલ પર રોકેટ ફેંકાયા હતા. જોકે સદનસીબે આ હુમલામાં ઇઝરાયલના બે નાગરિકો ઘવાયા હતા.
બેંજામિન નેતન્યાહૂની આખરી ચીમકી
ગાજા પટ્ટી અને લેબનાન તરફથી હમાસના રોકેટ હુમલા બાદ ઇઝરાયલ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની તત્કાલ બેઠક બોલાવી હતી જેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ઇઝરાયલ દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે. દુશ્મનોએ આ હુમલાની મોટી કિંમત ચૂકવવી પડશે. વડાપ્રધાનની આ ચીમકી બાદ ઇઝરાયલી સેનાએ ગાજા પટ્ટીમાં એર સ્ટ્રાઇક કરી હમાસના ઘણા અડ્ડાઓનો સફાયો કર્યો હતો. જોકે આ અંગે ખાસ કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી જોકે એવું બહાર આવ્યું છે કે, ફાઇટર જેટ દ્વારા સુરંગો અને હમાસની હથિયાર ફેક્ટરી સહિત હમાસના આતંકી અડ્ડાઓનો ખાતમો બોલાવી દેવાયો છે.