Australia Space Agency found mystery object at beach: ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મળેલી એક રહસ્યમય વસ્તુ ભારતીય રોકેટનો ભંગાર હોવાની પૃષ્ટી કરવામાં આવી છે. ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરો દ્વારા ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણના થોડાક દિવસો બાદ ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે એક રહસ્યમય વસ્તુ મળી આવી હતી, જે વિશ્વભરના વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો વિષય બની હતી. તે સમયે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ વસ્તુ ચંદ્રયાન-3 સંબંધિત કાટમાળ હોઈ શકે છે. જોકે, ભારતીય અવકાશ સંસ્થા ઈસરોએ આ વાત નકારી દીધી હતી. જો કે આ દરમિયાન હવે ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીએ પુષ્ટિ કરી છે કે દરિયા કિનારે મળેલી રહસ્યમય વસ્તુ એ ભારતની જ છે.
જોકે, સ્પેસ એજન્સીએ ચંદ્રયાનના કાટમાળના અસ્તિત્વને નકારી કાઢ્યું છે. ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પદાર્થ ચંદ્રયાન 3 સાથે સંબંધિત નથી, પરંતુ ભારતીય અવકાશ એજન્સી ISRO દ્વારા લોન્ચ કરવામાં આવેલા પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)નો કાટમાળ છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઇ પણ વ્યક્તિને આવી કોઇ શંકાસ્પદ ચીજ દેખાય તો તાત્કાલિક સ્થાનિક અધિકારીઓને તેની જાણ કરવી જોઈએ. તેમજ ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીને પણ જાણ કરવી જોઈએ.
વજનદાર બાર્નેકલથી સજ્જ સિલિન્ડરને પહેલીવાર જુલાઈના મધ્યમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઉત્તરે આવેલા દરિયાકાંઠાના વિસ્તાર જુરિયન ખાડી નજીક જોવા મળ્યો હતો. જાસુસોએ એવો અંદાજ લગાવ્યો હતો કે આ શંકાસ્પદ ચીજ કોઇ લશ્કરી મૂળની હોઈ શકે છે અથવા તો મલેશિયન એરલાઈન્સની ફ્લાઇટ MH370ના ગુમ થવા સાથે જોડાયેલો હોઈ શકે છે.
PSLVનો ભંગાર
પરંતુ ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે કે તેણે તારણ કાઢ્યું છે કે, આ પદાર્થ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી)ના ત્રીજા તબક્કાનો કાટમાળ છે. એજન્સીએ કહ્યું કે પીએસએલવી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)નું મધ્યમ વજનનું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે.
ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીએ સોમવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શ્રેણીબદ્ધ ટ્વીટમાં લખ્યું, ‘પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં જુરિયન ખાડી નજીકના બીચ પર મળી આવેલી વસ્તુ કદાચ ભારતના પીએસએલવીના ત્રીજા તબક્કાનો કાટમાળ છે.’
ઓસ્ટ્રેલિયન એજન્સીએ આગળ લખ્યું કે આ ભંગારનો સુરક્ષિત રીતે કબજો કરી લેવામાં આવ્યો છે અને તેના યોગ્ય નિકાલ માટે ISRO સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
શંકાસ્પદ વસ્તુ વિશાળ કદની
ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મળી આવેલી આ રહસ્યમયી વસ્તુ લગભગ બે મીટર (6 ફુટ) ઉંચી છે અને તેની ઉપરના ભાગે કેબલ (વાયર) લટકેલા છે. ઓસ્ટ્રેલિયન સ્પેશ એજન્સીએ કહ્યુ કે, બંને દેશોના અધિકારી સંયુક્ત રાષ્ટ્ર અંતરિક્ષ સંધિ હેઠળ જવાબદારીનો વિચાર કરવા સહિત આગામી કામગીરી નક્કી કરવા અને વધુ ખાતરી કરવા માટે સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.
આ પણ વાંચો | ઇસરો પાસે સેટેલાઇટ લોન્ચ કરાવવા માત્ર સિંગાપુર જ નહીં દુનિયાભરના દેશો ઉત્સુક, જાણો કેમ
ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઇ સેટેલાઇટનો કાટમાળ મળી આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ પાછલા વર્ષે ઓગસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્સમાં એક પશુપાલને એલોન મસ્કના સ્પેસએક્સ મિશનનો એક બળેલો પાર્ટ્સ તેના વાડાની બહાર મળી આવ્યો હતો.





