maldives parliament fight video viral : માલદીવની સંસદમાં આયોજિત વિશેષ સત્ર સાંસદોની લડાઇના કારણે ખોરવાઇ ગયું હતું. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની કેબિનેટની મંજૂરી માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. જોકે સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. માલદીવની સંસદ પરિસરમાંથી બહાર આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક સાંસદ ઝઘડી રહ્યા છે. ગળું દબાવવાનો પ્રયત્ન થયો હતો અને ખરાબ રીતે ઘસેટ્યા પણ હતા.
સાંસદો એકબીજાને લાતો અને મુક્કા મારી રહ્યા છે
રવિવારે માલદીવની સંસદમાં શાસક પક્ષો પીપલ્સ નેશનલ કોંગ્રેસ, પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ અને વિરોધ પક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)ના સાંસદો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વીડિયોને એક સ્થાનિક ઓનલાઇન ન્યૂઝ ચેનલે શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાંસદો એકબીજાને લાતો અને મુક્કા મારી રહ્યા છે. એક સાંસદને જમીન પર પછાડે છે અને બીજા સાંસદના ગળા પર પગ મુકે છે. ત્યાં હાજર અન્ય સાંસદો પણ તેમને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.
આ પણ વાંચો – એદન ખાડીમાં 22 ભારતીયોને લઈ જતા વેપારી જહાજ પર ફરી મિસાઈલ હુમલો
માલદીવની સંસદમાં સાંસદો વચ્ચે મારામારી કેમ થઈ?
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર વિપક્ષના સાંસદોને શાસક પક્ષની ચેમ્બરમાં જતા અટકાવવામાં આવ્યા હતા. સૌથી વધુ બેઠકો ધરાવતી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ મુઇજ્જુ કેબિનેટના સાંસદોને અપ્રુવ કરવાનો ઇનકાર કરી દેતાં આ મારામારી થઇ હતી. પીએનસી અને પીપીએમે આ લડત માટે એમડીપીને જવાબદાર માની છે. આને કારણે સંસદીય કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
ભારત સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે માલદીવ હાલ ચર્ચામાં છે. ભારત સાથે વિવાદના કારણે માલદીવના પર્યટનને ભારે અસર થઈ છે. હજારો ભારતીયોએ માલદીવની ટિકિટ કેન્સલ કરાવી છે, જેના કારણે ત્યાંની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. હાલ માલદીવ આ નુકસાનની ભરપાઈ કરવા માટે ચીન પાસે મદદ માંગી રહ્યું છે.





