Mothers Day 2023 Theme: માતા એક એવો શબ્દ છે જેનો આ બે અક્ષરના શબ્દમાં વ્યાપક અર્થ રહેલો છે. નિ:સ્વાર્થ પ્રેમની પરિભાષા એટલે માં. એક માં કોઇ અપેક્ષા વગર માત્ર પોતાના બાળકને પ્રેમ કરે છે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આકરી મહેનત તેમજ પ્રાર્થના કરતી હોય છે. માતા આપણી સૌથી મોટી ગૂરુ પણ કહેવાય. કારણ કે તે આપણને જીવન બહેતર બનાવવામાં ઘણું બધું બલિદાન તેમજ શીખવે છે. માતાઓના બલિદાનને માન આપવા માટે એક દિવસ પૂરતો નથી, પરંતુ તેમ છતાં માતાઓેએ તેમના સમગ્ર જીવનમાં આપણા પર વરસાવેલા પ્રેમને માન આપવા માટે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારના રોજ સમગ્ર વિશ્વવમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. શું તમે તમારા માતાઓ માટે આજે આ સ્પેશિયલ ડે પર કંઇ ખાસ કર્યું? જો બાકી હોય તો હજુ સમય છે. એવું કહેવાય છે કે, માતા-પિતાનું આદર-સન્માન કરશો તો તમે ભગવાનને પામશો.

ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌ પ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબની સ્થાપના કરી હતી. જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ.
એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી! શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો.

આન્ના મારીયાનું 12 મે, 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ.
શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસના બીજા રવિવારને ‘મધર્સ ડે ‘ તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય રજાનું એલાન કરતા મધર્સ ડે રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયો.
આજે વર્લ્ડ મધર્સ ડે નિમિત્તે જાણો.. માતા અંગે વિદેશી કહેવતો અને અવતરણો
વિવિધ ભાષામાં માંને લગતી કહેવતો
- સ્ત્રી અબળા હોઈ શકે માતા નહીં – કોરિયન કહેવત
- જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. – ગુજરાતી કહેવત
- માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે. – મોઝેમ્બિલ કહેવત
- વાછરડાને એની માતાનાં શિંગડાંની વળી બીક શાની ? – આફ્રિકન કહેવત
- આ પૃથ્વી પર એક જ સુંદર બાળક છે અને દરેક માતા પાસે એ હોય છે. – ચાઈનીસ કહેવત
- ઘર એટલે… પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા. – અમેરિકન કહેવત
- વસંતમાં હળવેકથી ચાલો, પૃથ્વી માતા સગર્ભા છે. – નેટિવ અમેરિકન કહેવત
- પુરુષનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત, જ્યારે માતાનું કામ અનંત… – કુરદીશ કહેવત
- દરેક કાગડો પોતાની માની નજરે હંસ હોય છે. – યુરોપિયન કહેવત
- ઝાકળબિંદુ ધરતીને ચૂમે એટલી જ નજાકતથી માતા બાળકને પ્રેમ કરે. – સુદાની કહેવત
- માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ. –સ્પેનીશ કહેવત
- પિતા વગર અડધા અનાથ, માતા વગર પૂરા અનાથ. – સાઈબિરિયન કહેવત
- એક માતા જેટલી સહેલાઈથી સાત બાળકોને ખવડાવી શકે છે, એટલી સહેલાઈથી સાત બાળકો એક માતાને ખવડાવી શકે ? – ફ્રેંચ કહેવત
- પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો. માતાનો પ્રેમ દરિયાથી ઊંડો. – જાપાનીસ કહેવત
- બચકું ભરતાં બાળકને તો ફક્ત એની મા જ ઊંચકે. – નાઈજીરિયન કહેવત
- ઘર ખરીદતી વખતે પાયો ચકાસો અને પત્ની પસંદ કરતી વખતે એની માતાને જુઓ. – ચાઈનીસ કહેવત
- માં તે માં, બીજા બધા વગડાના વા. – ગુજરાતી કહેવત