ભારતના રાષ્ટ્રપિતા ગણાતા મહાત્મા ગાંધીની જેમ પાકિસ્તાનના કાયદે આઝમ મહમ્મદ અલી ઝીણાના મૂળ પણ ગુજરાત સાથે જોડાયેલા છે. મહમ્મદ અલી ઝીણાનો જન્મ 25 ડિસેમ્બર, 1876ના રોજ કરાચીમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. પરંતુ આઝાદી પૂર્વે પાકિસ્તાન અખંડ ભારતનો એક ભાગ હતો. જો કે ઝીણાના પૂર્વજો ગુજરાતમાં રાજકોટ જિલ્લાના પાનેલી મોતી ગામના રહેવાસી હતા.
મહમ્મદ અલી ઝીણાના પિતાનું નામ જેનાભાઈ ઠક્કર અને દાદાનું નામ પુંજાભાઈ ઠક્કર હતું. પિતા સમૃદ્ધ વેપારી હતા. ઝીણાની માતાનું નામ મીઠીબાઈ હતું. કાયદા-એ-આઝમના માતા-પિતા વેપાર-ધંધાને લીધે કરાચીમાં સ્થાયી થયા અને ત્યાં મહમ્મદ અલી ઝીણાનો જન્મ થયો.
‘ઝીણાના પૂર્વજો માછલી વેચતા હતા’
બીબીસીએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આવેલું મહમદ અલી ઝીણાના પૂર્વજોનું ઘર હજી પણ અસ્તિત્વમાં છે. તે મકાનમાં હાલ પ્રવીણ ભાઈ પોપટ ભાઈ પોકીયા રહે છે. આ મકાન પ્રવીણભાઈના દાદાએ ખરીદ્યું હતું. પ્રવીણ જણાવે છે કે આ ઘરમાં મહમ્મદ અલી ઝીણાના દાદા અને પિતા રહેતા હતા.
આ અહેવાલ મુજબ, ગામના 70 વર્ષીય વ્યક્તિનું કહેવું છે કે ઝીણાના પૂર્વજો લોહાણા ઠક્કર જાતિના હતા. જ્યારે પુંજાભાઈએ ઝિંગા માછલી વેચવાનું શરૂ કર્યું, ત્યારે તેમના પરિવારને લોહાણા-ઠક્કર જાતિ દ્વારા બહિષ્કૃત કરવામાં આવ્યો હતો. આ બાદ આ પરિવારે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો અને ખોજા મુસ્લિમ બની ગયા.
ભારતીય સમાજ અને રાજનીતિના નિષ્ણાંત ડો.હરિ દેસાઈએ મહમ્મદ અલી ઝીણાના પૂર્વજોને પણ હિન્દુ ગણાવ્યા છે. સાથે – સાથે માછલી વેચવાનો ધંધો અને જ્ઞાતિ દ્વરા વિરોધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતના પૂર્વ વિદેશ મંત્રી જસવંત સિંહે પણ તેમના પુસ્તક ‘જિન્નાઃ ઈન્ડિયા, પાર્ટીશન, ઈન્ડિપેન્ડન્સ’માં મહમદ અલી ઝીણાના પરિવારને ખોજા મુસ્લિમ ગણાવ્યા છે.
જેનાભાઈમાંથી ઝીણા બનવાની કહાણી
જસવંત સિંહના પુસ્તકને ટાંકીને, રજનીશ કુમારે બીબીસી માટેના તેમના અહેવાલમાં જણાવ્યું છે કે, જ્યારે મહમ્મદ અલી ઝીણાનો જન્મ કરાચીમાં થયો હતો, ત્યારે તેમના માતાપિતાએ તેમના પુત્રનું નામ એક યોજનાના ભાગરૂપે રાખ્યું હતું.
ખરેખર અગાઉ તેમનો પરિવાર ગુજરાતમાં રહેતો હતો. ત્યારબાદ પરિવારના તમામ સભ્યોનું નામ ‘હિંદુ’ રાખવામાં આવ્યું અને તેમાં કોઈ સમસ્યા ન હતી. પરંતુ કરાચીમાં મુસ્લિમ વસ્તી વચ્ચે રહેતા જેનાભાઈ તેમના પુત્રનું એવું નામ રાખવા માંગતા હતા જેથી તે સુરક્ષિત રહે.
આ યોજનાના ભાગરૂપે જેનાભાઈ અને મીઠીબાઈએ તેમના પુત્રનું નામ મહમ્મદ અલી રાખ્યું. પરંતુ સાથે સાથે ગુજરાતમાં જે રીતે નામમાં પિતાનું નામ ઉમેરવામાં આવે છે તે પરંપરા પણ ચાલુ રાખવામાં આવી હતી. આમ તેમનું નામ મહમદ અલી જેનાભાઇ રાખવામાં આવ્યું.
શરૂઆતનું શિક્ષણ ગુજરાતી ભાષામાં ઘરે જ થયું. ત્યારબાદ જેનાભાઈએ કરાચીની ટોચની મેનેજિંગ એજન્સી ડગ્લાસ ગ્રેહામ એન્ડ કંપનીના જનરલ મેનેજર સર ફ્રેડરિક લી ક્રોફ્ટના સૂચન પર 1892માં મહમદ અલી જેનાભાઈને બિઝનેસ શીખવા માટે લંડન મોકલ્યા. ત્યાં તેમણે જેનાભાઈનું અંગ્રજી વર્ઝન કરીને તેને ઝીણા કરી દીધું. બિઝનેસ શીખવા ગયેલા ઝીણાએ ત્યાં જ ભણવાનું શરુ કરી દીધું.
લંડન જતા પહેલા ઝીણાની માતાએ તેમના લગ્ન પાનેલી મોતી ગામની 11 વર્ષની અમીબાઈ સાથે કરાવ્યા હતા. જોકે ઝીણા ક્યારેય અમીબાઈને જોઈ શક્યા નહોતા કારણ કે લંડનથી પાછા ફરતા પહેલા જ અમીબાઈનું અવસાન થયું હતું.