નેપાળના પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ગંભીર વિમાન અકસ્માત થયો છે. નેપાળના પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે (15 જાન્યુઆરી)ના રોજ લેન્ડિંગ થવાની પહેલા જ 72 સીટર પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. પેસેન્જર પ્લેન ક્રેશ થવાની દૂર્ઘટના બાદ હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. હાલ એરપોર્ટ પર વિમાનના ટેકઓફ – લેન્ડિંગની કામગીરી બંધ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં આ વિમાન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 68 થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિમાનમાં 5 ભારતીયો પણ મુસાફરી કરી રહ્યા હતા. નેપાળ સરકારે સોમવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
ધ કાઠમંડુ પોસ્ટે યેતી એરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાના હવાલાથી માહિતી આપી છે કે, દૂર્ઘટનાગ્રસ્ત થયેલી યતી એરલાઇન્સના પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેન જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયું હતું. હાલ આ વિમાન દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 68 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.
દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 5 ભારતીયો હતા
યતિ એરલાઈન્સના અધિકારીના જણાવ્યા અનુસાર, દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 5 ભારતીય મુસાફરી કરી રહ્યા હતા. આ પાંચ વ્યક્તિઓના નામ અભિષેક કુશવાહા, બિશાલ શર્મા, અનિલ કુમાર રાજભર, સોનુ જયસ્વાલ અને સંજય જયસ્વાલ છે.
વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યુ હતુ
પ્રાપ્ત માહિતી મુજબ, દૂર્ઘટનાગ્રસ્ત વિમાન કાઠમંડુથી પોખરા જઇ રહ્યુ હતુ. કાઠમંડુથી પોખરા જઈ રહેલું નેપાળનું યતિ એરલાઈન્સનું વિમાન (ATR-72 ફ્લાઈટ) ક્રેશ થયું છે. આ વિમાનમાં 4 ક્રૂ મેમ્બર અને 68 મુસાફરો સાથે કુલ 72 પેસેન્જર સવાર હતા. પોખરા એરપોર્ટ હાલ બંધ છે. આ દૂર્ઘટના ઘટ્યા બાદ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં વિમાન ક્રેશ થયેલા સ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાઇ રહ્યા છે. દુર્ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.
પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા વિમાન ક્રેશ થયુ
પોખરા એરપોર્ટ પર વિમાન લેન્ડિંગ કરે તેની પહેલા જ ક્રેશ થયુ છે. હાલ આ વિમાન ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવી રહ્યું છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિમાન એરપોર્ટ નજીકની પહાડીઓ સાથે અથડાયુ હોય તેવી પણ શક્યતા છે. વિમાન નદીમાં પડ્યું છે. પ્લેનનો કેટલોક ભાગ નદીમાં છે અને બહારના ભાગમાં આગ લાગી છે. આસપાસના લોકો પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે.