નેપાળના પોખરા શહેરમાં રવિવાર 15 જાન્યુઆરી, 2023ના રોજ એક વિમાન ક્રેશ થતા તેમાં બેઠેલા તમામ 72 લોકોના મોત થયા છે. તો 16 જાન્યુઆરીએ અધિકારીએ જાણકારી આપી કે નેપાળમાં બનેલી વિમાન દૂર્ઘટના બાદ ચાર વ્યક્તિઓની શોધખોળ હજી પણ ચાલી રહી છે. નોધનિય છે કે, દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ (Black Box) મળી આવ્યુ અને તેનાથી આ પ્લેન કેવી રીતે ક્રશ થયુ તેનું કારણ જાણી શકાશે.
બ્લેક બોક્સ CAANને સોંપવામાં આવ્યુ
આ દૂર્ઘટના અંગે પીટીઆઇ એ યતિ એરલાઇન્સના એક પ્રવક્તા સુદર્શન બરતૌલાના હવાલાથી જણાવ્યુ કે, દૂર્ઘટનાગ્રસ્ત વિમાનના બંને બ્લેક બોક્સને અકસ્માત સ્થળેથી મેળવી લેવાયા છે. બ્લેક બોક્સને નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીને (CAAN) સોંપી લેવામાં આવ્યુ છે. નોંધનિય છે કે, આ દૂર્ઘટના બાદ બચાવ કામગીરી કરી રહેલા એક વ્યક્તિએ જણાવ્યુ કે, યતિ એરલાઇન્સ દ્વારા સંચાલિત ATR-72 વિમાનમાં કુલ 72 વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા, જેમાં માત્ર 68 લોકોના મૃતદેહો મળ્યા છે.
દૂર્ઘટનાગ્રસ્ત ATR-72 પ્લેનનું વિજય માલ્ય સાથે કનેક્શન
Cerium Fleetsના ડેટા અનુસાર, નેપાળમાં ક્રેશ થયેલા ATR 72 એરક્રાફ્ટને વર્ષ 2007માં વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઈન્સે ખરીદ્યું હતું. અત્રે નોધનિય છે કે, વિજય માલ્યાએ ફ્રેન્ચ-ઇટાલિયન રિજનલ એરક્રાફ્ટ ઉત્પાદક કંપની એટીઆર પાસેથી આ દૂર્ઘટનાગ્રસ્ત પ્લેન ખરીદ્યું હતું. એરક્રાફ્ટ કાફલો, તેના ઉપકરણો અને ખર્ચને ટ્રેક કરતી સીરિયસ ફ્લિટ્સના આંકડા મુજબ 9N-ANC બંધ થયેલી કિગફિશર એરલાઇન્સને આપવામાં આવ્યુ હતુ.
વર્ષ 2007ના 6 વર્ષ બાદ આ એરક્રાફ્ટ થાઇલેન્ડની નોક એર દ્વારા ખરીદવામાં આવ્યુ હતુ. ત્યાર પછી વર્ષ 2019માં નેપાળની યતિ એરલાઇન્સને આ વિમાન વેચવામાં આવ્યુ હતુ. Cerium Fleets ડેટા અનુસાર, વિમાનનું સંચાલન Investec Bank દ્વારા કરવામાં આવ્યું હતું. નેપાળના ઉડ્ડયન ઈતિહાસમાં આ પહેલી ઘટના હતી કે આ મોડલના વિમાનનો અકસ્માત થયો છે.
દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 5 ભારતીયો પણ હતા
ઉલ્લેખનિય છે કે, નેપાળમાં વિમાન દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોમાં 5 ભારતીયો પણ હતા. જેમાંથી ચાર ભારતીયો નેપાળના ટૂરિસ્ટ સેન્ટર પોખરામાં પેરાગ્લાઈડિંગની મજા માણવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.