Katalin Kariko And Drew Weissman Wins Nobel Prize For Covid 19 Vaccine : નોબલ પ્રાઈઝ-2023ની ઘોષણા કરવામાં આવી છે. 2023નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર કેટલિન કેરીકો અને ડ્રૂ વેઈસમેનને એનાયત કરવામાં આવ્યું છે. તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ન્યુક્લિયોસાઇડ બેઝ મોડિફિકેશન સંબંધિત તેમની શોધ માટે આપવામાં આવ્યો છે. આ શોધથી કોવિડ-19 વાયરસ સામે અસરકારક mRNA વેક્સીન વિકસાવવામાં સફળતા મળી હતી.
નોબલ એસેમ્બલીએ જણાવ્યું હતું કે, “mRNA- મેસેન્જર રિબોન્યુક્લિક એસિડ ઇમ્યુનિટી સિસ્ટમ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે અંગેની અમારી સમજણને મૂળભૂત રીતે બદલતા તેમના ગ્રાઉન્ડબ્રેકિંગ તારણો મારફતે વિજેતાઓએ આધુનિક સમયમાં માનવ આરોગ્ય સામે સૌથી મોટા ખતરા પૈકીના એક દરમિયાન વેક્સીન તૈયાર કરવામાં મોટું યોગદાન આપ્યું છે.”
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર નોબલ એસેમ્બલી દ્વારા દર વર્ષે એનાયત કરવામાં આવે છે, જેમાં કેરોલિંસ્કા ઇન્સ્ટિ્યૂટના 50 પ્રોફેસર સામેલ હતા, જે આ વૈજ્ઞાનિકોને માન્યતા આપે છે જેમણે માનવજાતના શ્રેષ્ઠ કાર્યમાં યોગદાન આપ્યું છે.
કેટલિન કેરીકો અને ડ્રૂ વેઇસમેન (Katalin Kariko And Drew Weissman Wins Nobel Prize)
કેટલિન કેરીકોનો જન્મ વર્ષ 1955માં હંગેરીના સ્ઝોલનોકમાં (Szolnok) થયો હતો. તેઓ સેજેડ યુનિવર્સિટી (Szeged University)માં પ્રોફેસર છે અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની પેરેલમેન સ્કૂલ ઓફ મેડિસિન ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તો કોરોના વેક્સીન વિકસાવવા બદલ નોબલ પુરસ્કાર જીતનાર અન્ય વૈજ્ઞાનિક ડ્રૂ વેઇસમેન વેક્સીન રિસર્ચમાં રોબર્ટ્સ ફેમિલી પ્રોફેસર અને આરએનએ ઇનોવેશનની માટે પેન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર છે.
વર્ષ 1901થી ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં 113 નોબલ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા છે, જેમાંથી 12 મહિલાઓને આપવામાં આવ્યા છે. અત્યાર સુધીના સૌથી યુવા મેડિસિન પ્રાઈઝ વિજેતા ફ્રેડરિક જી. બેન્ટિંગ છે, જેમને 32 વર્ષની ઉંમરે ઈન્સ્યુલિનની શોધ માટે 1923નું મેડિસિન પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | અવકાશમાં સૂર્યોદય કેટલી વાર થાય છે? અવકાશયાત્રીઓ દિવસ-રાત વિશે કેવી રીતે ખબર પડે છે, જાણો બધુ
જો આપણે પાછલા વર્ષ પર નજર કરીએ તો, 2022નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર સ્વીડિશ જિનેટિકિસ્ટ સ્વાંતે પાબોને એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ જર્મનીના લીપઝિંગમાં મેક્સ પ્લેક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇવોલ્યૂશનરી એન્થ્રોપોલોજીના અધિકારી હતા, જ્યાં તેમના સંશોધનથી લુપ્ત થઈ રહેલા હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિ વિશેની અમારી સમજમાં ઘણો સુધારો કર્યો છે.
વર્ષ 1901માં શરૂઆત થઈ ત્યારથી નોબલ પુરસ્કાર એવા વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે જેમણે માનવજાતના ફાયદા માટે મહત્વપૂર્ણ શોધો- સંશોધન કર્યા છે.





