પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં મોટો વિસ્ફોટ થયો છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ Dawn.com અનુસાર, પેશાવરની એક મસ્જિદમાં બપોરે 1.40 વાગ્યે સિવિલ લાઈન્સ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ ઘટના બની તે સમયે મસ્જિદમાં બપોરની નમાઝ અદા કરવામાં આવી રહી હતી. આ બોમ્બ બ્લાસ્ટમાં હાલ 28 લોકોન મોત અને 150થી વધારે લોકો ઘાયલ થયા છે.
ડૉન ન્યૂઝ અનુસાર, સોમવારે પેશાવરમાં બપોરે થયેલા વિસ્ફોટમાં હાલ 28 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બ્લાસ્ટને કારણે મસ્જિદનો એક ભાગ ધરાશાયી થયો છે. તેના કાટમાળમાં ઘણા લોકો દટાયા હોવાના સમાચાર છે. બ્લાસ્ટ બાદ પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમે જણાવ્યું કે, 150થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે. તેમણે ઉમેર્યુ કે, હોસ્પિટલની આસપાસનો સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે અને અહીં માત્ર એમ્બ્યુલન્સને અવરજવર કરવાની મંજૂરી હાલ મંજૂરી અપાઇ છે.
ગયા વર્ષે પણ થયો હતો આવો હુમલો
અત્રે ઉલ્લેખનિય છે કે, પાછલા વર્ષે પાકિસ્તાનના પેશાવરમાં પણ આવો જ હુમલો થયો હતો. તે સમયે પેશાવરના કોચા રિસલદાર વિસ્તારમાં શિયા મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલામાં 63 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે સોમવારે પેશાવરમાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટનું કારણ મસ્જિદમાં મુકવામાં આવેલો બોમ્બ છે આત્મઘાતી હુમલો, તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મસ્જિદ તરફ જતા તમામ રસ્તા બંધ કરી દીધા છે.