આતંકવાદીઓને આશરો આપનાર અને ભારતના કાશ્મીર પર વારંવાર હુમલો કરનાર પડોશી દુશ્મન દેશ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકતા સામાન્ય લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે અને ભૂખમરાનું જોખમ ટોળાઇ રહ્યુ છે. પરિસ્થિતિ એટલી વિકટ થઇ ગઇ છે કે સામાન્ય લોકો માટે બે ટંકની રોટલી પણ હવે દોહ્યલી બની ગઇ છે, કારણ કે 20 કિલો ઘઉંના લોટની કિંમત વધીને અધધધ….2500 રૂપિયા સુધી પહોંચી ગઇ છે. નોંધનીય છે કે પાકિસ્તાનના કરાચીમાં એક કિલો લોટ (ફ્લોર પ્રાઇસ)ની કિંમત 125 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
20 કિલો લોટનો ભાવ 2500 રૂપિયાની ઐતિહાસિક ટોચે
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ કરાચીમાં 20 કિલો લોટની એક બોરી અઢી હજાર રૂપિયામાં વેચાઇ રહી છે. આમ 1 કિલો લોટની કિંમત હાલ 125 રૂપિયા છે. જે ઈસ્લામાબાદ અને પંજાબની કિંમત કરતા લગભગ 100 ટકા વધારે છે.
અંગ્રેજી અખબાર ડોને પાકિસ્તાનમાં લોટની કિંમતો અંગે લખ્યું કે, છેલ્લા અઠવાડિયામાં કરાચી, હૈદરાબાદ અને ક્વેટામાં 20 કિલો લોટની કિંમતમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જેના ભાવ અનુક્રમે 2,320 રૂપિયા, 2,420 રૂપિયા અને 2,500 રૂપિયા ગયા છે. જ્યારે બન્નુ, પેશાવર, લરકાના અને સુક્કુરમાં ભાવ અનુક્રમે 40 રૂપિયા, 70 રૂપિયા, 50 રૂપિયા અને 40 રૂપિયા વધ્યા છે.
તે જ સમયે, ઇસ્લામાબાદ અને પંજાબમાં 20 કિલો લોટની બોરીની કિંમત 1,295 રૂપિયા વેચાઇ છે. પાકિસ્તાનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હવે ભૂખે મરવાનો વારો આવ્યો છે. મોંઘવારીને કારણે તેમનું માસિક બજેટ ખોરવાઇ ગયું છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં હાલ ઘઉં, ગેસ અને ચોખાની ભારે અછત છે.
રાંધણગેસની પણ ભારે અછત
પાકિસ્તાન પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ચોખા અને ગેસની આયાત કરી રહ્યું છે. સાથે જ લોનની મદદથી ગેસ પણ આપવામાં આવી રહ્યો છે. જો કે પાકિસ્તાનને આની ભારે કિંમત ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સરકાર સસ્તા દરે ગેસ અને તેલ સપ્લાય કરવા માટે રશિયા સાથે વાતચીત કરી રહ્યુ છે, પરંતુ આ અંગે કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. અત્રે નોંધનિય છે કે, પાકિસ્તાનમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે આવેલા પૂરથી ડાંગરના પાકને બહુ જ નુકસાન થયું હતુ, આથી હાલ ત્યાં ખાદ્યાન્નના ભાવ આસમાને પહોંચ્યા છે.