પાકિસ્તાનમાં કોઇ સુરક્ષિત નથી એ વાત ફરી એકવાર ઉજાગર થઇ છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર એક રાજકીય રેલી દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યુ છે. આ ફાયરિંગમાં ઇરમાન ખાન ઘાયલ થયા છે. ફાયરિંગની આ ઘટના બની તે સમયે રાજકીય રેલી દરમિયાન ઇમરાન ખાન કન્ટેનરની પાસે ઉભા હતા.
પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર આજે પાકિસ્તાનમાં વઝીરાબાદમાં ઝફર અલી ખાન ચોકની પાસે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક એ- ઇન્સાફના અધ્યક્ષ ઇમરાન ખાનના કન્ટેનર પર ફાયરિંગની ઘટના બની છે. આજે એક રાજકીય રેલી દરમિયાન અજાણ્યા બંદૂકધારીઓએ ઇમરાન ખાન પર ગોળીબાર કરતા તેઓ ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈમરાન ખાનને લઈ જઈ રહેલા કન્ટેનર-માઉન્ટેડ ટ્રક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

ઇમરાન ખાન તાત્કાલિક ચૂંટણીની માંગ માટે ઇસ્લામાબાદ તરફ વિરોધ રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા.
સ્થાનિક ચેનલ જિયો ન્યૂઝના અહેવાલ મુજબ ગુજરાનવાલામાં અલ્લાહવાલા ચોક ખાતે ઈમરાન ખાનના સ્વાગત શિબિર પાસે ગોળીબાર થયા બાદ અફરાતરફીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યુ છે. ગોળીબારમાં ઘાયલ ઇમરાન ખાનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યુ હતુ.