પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો છે. પ્રદર્શનકારીઓ અનેક શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણા શહેરોમાં તોડફોડ અને આગચંપીના અહેવાલો સામે આવ્યા છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન શાહવાઝ શરીફના ઘર પર પણ ઘૂસણખોરી કરી છે. બુધવારે સવારે પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના ઘરને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં, સેનાના મુખ્યાલય અને કોર્પ્સ કમાન્ડરના ઘરની પણ તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં લોકોના વિરોધને જોતા આગામી 30 દિવસ માટે કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે.
સ્કૂલ કોલેજો અને ઈન્ટરનેટ બંધ
પાકિસ્તાનમાં કેટલી સ્થિતિ બગડી છે તે વાતનો અદાજો તે વાતથી લગાવી શકાય છે કે, સ્કૂલ કોલેજો અગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહી પૂરા દેશમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આજે યોજાનારી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ લાહોર કેન્ટમાં કોર્પ્સે કમાન્ડર હાઉસ અને રાવલપિંડી સેના મુખ્યાલયમાં પણ ઘુસી ગયા હતા. અહીં તોડફોડ કરવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પ્રદર્શનકારીઓએ અહીં કિમતી સામાનની લૂંટ પણ ચલાવી છે.
ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ
પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ મુજબ લાહોર, પેશાવર, કરાચી, ગિલગિટ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ડૉન સમાચાર અનુસાર, મંગળવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ઈસ્લામાબાદમાં 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ઈમરાનના સમર્થકોએ સેના અને સરકાર સામે ઓલઆઉટ વોર જાહેર કર્યું છે.
સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો
પાકિસ્તાનમા બગડેલી સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્વીટર સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ટેલિકોમ ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે, ગૃહ મંત્રાલયના નિર્દેશો પર દેશભરમાં મોબાઇલ બ્રોડબેન્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ અને ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા સાઇટ્સને પણ બ્લોક કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે
પાકિસ્તાનમાં હંગામો સતત વધી રહ્યો છે. ત્યાં આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માર્શલ લો અંગેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ઈમરાન વિરોધી લશ્કરી અધિકારીઓના ઘરો પર હુમલો થઈ શકે છે. જો પાકિસ્તાનની સેના કડક કાર્યવાહી કરશે તો સ્થિતિ વધુ વણસી શકે છે. ઈમરાનની ધરપકડ બાદ પીટીઆઈના જનરલ સેક્રેટરી અસદ ઉમરે ટ્વીટ કર્યું હતું કે, પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરેશીના નેતૃત્વમાં છ સભ્યોની સમિતિ નક્કી કરશે કે, આગળ શું કરવું અને શું ન કરવું. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડના 15 મિનિટની અંદર ગૃહ મંત્રી અને ઈસ્લામાબાદ પોલીસ વડાને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લા ખાને કહ્યું છે કે, ઘણી નોટિસો બાદ પમ ઈમરાન ખાન કોર્ટમાં હાજર થયા નહી. એનએબીએ તેમની દેશના ખજાનાને નુકશાન પહોંચાડવાના ગુનામાં ધરપકડ કરી છે. તેમની સાથે કોઈ ગેરવર્તન નથી કરવામાં આવ્યું.