PM Narendra Modi in Egypt Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ બાદ ઇજિપ્તમાં છે. આ દરમિયાન તેમણે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીને ઈજિપ્તના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસી દ્વારા પીએમ મોદીને ઇજિપ્તનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એનાયત કરવામાં આવ્યો છે.
છેલ્લા નવ વર્ષમાં પીએમ મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. ઈજિપ્તનો આ સ્ટેટ એવોર્ડ 13મું એવું સર્વોચ્ચ રાજકીય સન્માન છે. જેને વિશ્વના વિવિધ દેશો દ્વારા પીએમ મોદીને એનાયત કરવામાં આવ્યા છે.
પીએમ મોદી ઇજિપ્તની યાત્રા દરમિયાન અલ હકીમ મસ્જિદ પણ ગયા હતા. 11મી સદીની અલ-હકીમ મસ્જિદ કૈરોમાં દાઉદી વોહરા સમુદાય માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. વર્ષ 1997 પછી કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી ઈજિપ્ત યાત્રા છે. અલ-હકીમ મસ્જિદના નવીનીકરણનો શ્રેય ભારતીય વોહરા સમુદાયના સુલતાન મુફદ્દલ સૈફુદ્દીન અને તેમના આધ્યાત્મિક નેતા અલ-દાઈ અલ-મુતલકને જાય છે.
આ પણ વાંચો – નામ લીધા વગર જ અમેરિકામાં પીએમ મોદીના ચીન અને પાકિસ્તાન પર પ્રહારો, શું કહ્યું?
ઇજિપ્ત અને ભારત વચ્ચે વ્યાપારીક સંબંધો અને રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા માટે પીએમ મોદીએ ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મૈડબોલી અને મંત્રીમંડળના પ્રમુખ મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કૈરોમાં હેલિયોપોલિસ યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એવોર્ડ શું છે?
ઓર્ડર ઓફ ધ નાઇલની સ્થાપના 1915માં ઇજિપ્તના સુલતાન હુસૈન કામેલ દ્વારા કરવામાં આવી હતી. તેની સ્થાપના દેશ માટે ઉપયોગી સેવા આપનાર વ્યક્તિઓને પુરસ્કાર આપવા માટે કરવામાં આવી હતી. 1953માં રાજાશાહીનો અંત આવ્યો ત્યાં સુધી તે ઇજિપ્તના સામ્રાજ્યના મુખ્ય આદેશોમાંનો એક હતો. 1953માં ઇજિપ્ત પ્રજાસત્તાક બન્યા બાદ અહીંના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ નાઇલનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. ઓર્ડર ઓફ ધ નાઇલ એ શુદ્ધ સોનાનો કોલર છે જેમાં ત્રણ ચોરસ સોનાના ટુકડાઓ હોય છે ફારોનિક અને તેના પરના પ્રતીકો હોય છે.





