PM Narendra Modi Ahlan Modi Event Speech In UAE : વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએઇની બે દિવસની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેઓ 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીમાં સ્વામી નારાયણ સંપ્રદાયના બીએપીએસ મંદિરનું ઉદઘાટન કરવાના છે. પીએમ મોદીના સ્વાગતમાં અબુ ધાબીમાં અહલાન મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અહલાન મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ યુએઇમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યુ હતુ. નોંધનિય છે કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 7મી વખત યુઇએ પ્રવાસે ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રવાસે છે. પીએમ મોદીનું અબુધાબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. બંને વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ સહિત અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ મંગળવારે યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો અબુ ધાબીમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.
પીએમ મોદીએ અહાલન મોદી કાર્યક્રમમાં નમસ્કારથી ભાષણની શરૂઆત કરી. ખાસ વાત એ હતી કે તેમણે ઘણી ભારતીય ભાષાઓમાં લોકોને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે દરેક લોકો ભારત-યુએઈ દિસ્તા ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. આજે તેમણે કહ્યું કે દરેક ક્ષણને જીવી લેવી છે. આ યાદો મારી સાથે પણ રહેવાની છે. આજે હું મારા પરિવારને મળવા આવ્યો છું. પીએમ મોદીએ સ્ટેડિયમમાં હાજર લોકોને કહ્યું કે હું એ સંદેશ લઈને આવ્યો છું કે દેશની જનતાને તમારા પર ગર્વ છે. આ 140 કરોડ ભારતીય ભાઈ-બહેનોનો સંદેશ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહલાન મોદી કાર્યક્રમમાં કહેલી 10 મુખ્ય વાત
- પીએમ મોદીએ અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું, “આજે અબુ ધાબીમાં તમે એક નવો ઈતિહાસ રચ્યો છે. તમે બધા યુએઇના ખૂણે-ખૂણેથી અને ભારતના અલગ – અલગ રાજ્યોમાંથી અહીં આવ્યા છો, પરંતુ દરેકના દિલ એક બીજા સાથે જોડાયેલા છે.” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક દિલની ધડકન, દરેક શ્વાસ, દરેક અવાજ કહે છે – ભારત-યુએઈ દોસ્તી જિંદાબાદ…
- વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, હું મારા પરિવારજનોને મળવા આવ્યો છું. જ્યાં તમે જન્મ્યા હતા ત્યાંની માટીની સુગંધ લાવ્યો છું અને 140 કરોડ લોકોનો સંદેશ લઈને આવ્યો છું. સંદેશ એ છે કે ભારતને તમારા પર ગર્વ છે.” મને 2015 માં યુએઈની મારી પ્રથમ મુલાકાત યાદ છે, જ્યારે તમને કેન્દ્રમાં પહોંચ્યાના થોડાંક જ દિવસ થયા હતા. ત્રણ દાયકામાં ભારતીય વડાપ્રધાનની યુએઈની આ પ્રથમ મુલાકાત હતી.”
- અહલાન મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, 2015માં મારા માટે કૂટનીતિની દુનિયા નવી હતી. તે સમયે, એરપોર્ટ પર તત્કાલીન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિએ તેમના પાંચ ભાઈઓ સાથે મારું સ્વાગત કર્યું હતું. તે સ્વાગત મારા એકલા માટે નહીં, પરંતુ 140 કરોડ ભારતીયો માટે હતું.
- અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને પીએમ મોદીએ કહ્યું કે, “હું ભાગ્યશાળી છું કે યુએઇ એ મને તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનિત કર્યો છે. આ સન્માન માત્ર મારું નથી, પરંતુ કરોડો ભારતીયોનું, તમારા બધાનું છે.”
- અબુ ધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે, 2015માં જ્યારે મેં તમારા બધા વતી શેખ મોહમ્મદ બિન ઝાયેદને અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો તો તેમણે તરત જ હા પાડી દીધી. હવે આ ભવ્ય (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કરવાનો સમય આવી ગયો છે.
- પીએમ મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે અમીરાતના સાથીયોએ ભારતીયોને તેમના હૃદયમાં સ્થાન આપ્યું છે અને તેમને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બનાવ્યા છે. સમયની સાથે આ સંબંધ દિવસેને દિવસે વધુ મજબૂત થઇ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, આપણો સંબંધ પ્રતિભા, ઇનોવેશન અને સંસ્કૃતિનો છે. ભૂતકાળમાં આપણે દરેક દિશામાં આપણો સંબંધોને ફરીથી સક્રિય કર્યા છે. બંને દેશો એક સાથે ચાલ્યા છે અને સાથે આગળ વધ્યા છે.
- પીએમ મોદીએ કહ્યું કે, આજે યુએઇ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. આજે યુએઇ સાતમું સૌથી મોટું રોકાણકાર છે. ઇઝી ઓફ લિવિંગ અને ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસમાં બંને દેશો ઘણો સહયોગ કરી રહ્યા છે. આજે પણ અમારી વચ્ચે જે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે તે આ પ્રતિબદ્ધતાને આગળ ધપાવી રહ્યા છે.
- અલહાન મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારી નાણાકીય વ્યવસ્થાને એકીકૃત કરી રહ્યા છીએ. ટેક્નોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં ભારત અને યુએઇ વચ્ચેની ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. સમુદાયન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં, ભારત-યુએઈ એ જે હાંસલ કર્યું છે તે વિશ્વ માટે એક મોડેલ છે.
- વડાપ્રધાને મોદીએ સંબોધનમાં કહ્યું કે, 1.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુઇએની શાળાઓમાં અભ્યાસ કરે છે. પાછલા મહિને અહીં આઇઆઈટી દિલ્હી કેમ્પસમાં એક માસ્ટર કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં દુબઈમાં નવી સીબીએસઇ ઓફિસ ખોલવામાં આવશે. આ સંસ્થાઓ અહીંના ભારતીય સમુદાયને શ્રેષ્ઠત્તમ શિક્ષણ આપવામાં મદદરૂપ થશે.
- અહાલાન મોદી કાર્યક્રમના સંબોધનમાં અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મોદીએ ગેરંટી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી.
પીએમ મોદી અબુધાબીમાં બીએપીએસ હિંદુ મંદિરનું ઉદઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં સ્વામી નારાયણ સંપ્રદાય બીએપીએસ હિંદુ મંદિરનું 14 ફેબ્રઆરીના રોજ ઉદઘાટન કરશે. BAPS સ્વામિનારાયણ મંદિર એ UAE દુબઇ માં પ્રથમ હિન્દુ મંદિર છે. આ મંદિર 900 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમાં 7 ગોપુરમ અને અનેક શિલ્પો કલાત્મકતાથી કોતરેલા છે. તે માત્ર દેશમાં સાંસ્કૃતિક વિવિધતાને જ પ્રતિબિંબિત કરતું નથી પરંતુ ભારત અને UAE વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આશરે 2000-5000 ભક્તો આ મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે.