Ram Mandir Event | રામ મંદિર ઈવેન્ટ : અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ થઈ રહી છે. 22 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીથી પેરિસ-સિડની સુધી વિશ્વના વિવિધ ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અથવા હિન્દુ પ્રવાસીઓ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યા છે.
આ અંગે VHP ના સંયુક્ત મહામંત્રી સ્વામી વિજ્ઞાનાનંદ જેઓ સંગઠનની આંતરરાષ્ટ્રીય બાબતોનું ધ્યાન રાખે છે. તેમણે કહ્યું કે, VHP નો 60 થી વધુ દેશોમાં “સીધો સંપર્ક” છે અને તેમણે ત્યાં, હિન્દુ સમુદાયના સંગઠનો સાથે કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
વિજ્ઞાનાનંદે કહ્યું કે, કાર્યક્રમમાં કાર રેલી, રથયાત્રા અથવા પ્રભાતફેરી ભજન ગાવામાં આવશે. વિવિધ દેશોના મંદિરોમાં પણ અભિષેક સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
પેરીસમાં પ્લેસ ડે લા કેપેલ થી એફિલ ટાવર સુધી રથયાત્રા કાઢવામાં આવશે
પેરિસમાં, રામ રથયાત્રા શહેરના ઉત્તર ભાગમાં સ્થિત પ્લેસ ડે લા કેપેલથી આઇકોનિક એફિલ ટાવર સુધી કાઢવામાં આવશે. આ સંદર્ભે, એફિલ ટાવર ખાતે “શ્રી રામ ધૂન, ભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રસાદનું વિતરણ” પણ થશે.
આ રથયાત્રા પૂજા અને વિશ્વકલ્યાણ યજ્ઞ બાદ શરૂ થશે. આ રથયાત્રા પેરિસના મુખ્ય સ્થળો જેમ કે લે રિપબ્લિકા, મ્યુસી ડી લુવરે અને આર્ક ડી ટ્રાયમ્ફ પાસેથી પસાર થશે.
યાત્રા અંગે વિસ્તૃત માહિતી આપતા, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અવિનાશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ફ્રાન્સમાં રહેતા અમે ભારતીયો સમગ્ર પેરિસમાં રામ રથયાત્રા અને એફિલ ટાવર ખાતે ઉત્સવું આયોજન કરીને અયોધ્યામાં શ્રી રામ મંદિર ઉદ્ધાટનના ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ પ્રસંગમાં સામેલ થઈશું.
તેમની પોસ્ટના જવાબમાં, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, “અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લા સરકારના તેમના જન્મસ્થળ પરના અભિષેકના સાક્ષી બનવા સરહદો પારના દરેક રામ ભક્તો માટે એક આશીર્વાદ છે. વિશ્વભરના રામ ભક્તો માટે આ એક યાદગાર ક્ષણ છે, એક એવી ક્ષણ જ્યારે એક અબજ લોકોના હૃદય એક સાથે ધડકશે.”
ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે લોકો એકઠા થશે
ન્યૂયોર્કમાં 22 જાન્યુઆરીએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે પણ શ્રદ્ધાળુઓ એકઠા થશે. વોશિંગ્ટન ડીસીમાં, VHP દ્વારા 20 જાન્યુઆરીએ શ્રી ભક્ત અંજનેય મંદિર ખાતે કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
VHP ના DC ચેપ્ટરના સ્વયંસેવક અનિમેષ શુક્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, “20 જાન્યુઆરીએ અમે એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ જેમાં 1,000 થી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. અમે ઈચ્છીએ છીએ કે, સમગ્ર ભારતીય સમુદાય એક સાથે આવે અને આ પવિત્ર અને શુભ અવસરની ઉજવણી કરે, જે આપણા બધા માટે જીવનમાં માત્ર એક જ વાર આવે છે. 22 જાન્યુઆરી પછી બોસ્ટનથી શરૂ કરીને અમેરિકાના મંદિરોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયામાં રામ મંદિરને લઈ કાર્યક્રમો
આ સિવાય ઓસ્ટ્રેલિયામાં વેસ્ટર્ન સિડનીના પરરામટ્ટા પાર્ક અને મેલબોર્નના કિંગ્સલે પાર્કમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના અન્ય શહેરોમાં જ્યાં VHP હિંદુ સમુદાયો સાથે કાર્યક્રમો યોજશે, તેમાં બ્રિસ્બેન, પર્થ, એડિલેડ અને ન્યૂ સાઉથ વેલ્સનો સમાવેશ થાય છે.
આફ્રિકાના દેશો સહિત અન્ય દેશમાં રેલી સહિતનું આયોજન
વિજ્ઞાનાનંદે કહ્યું કે, “ઓસ્ટ્રેલિયામાં લગભગ 25 થી 50 સંસ્થાઓ સામૂહિક રીતે આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે.” તેમણે કહ્યું કે, VHP આફ્રિકામાં કેન્યા, તાન્ઝાનિયા, યુગાન્ડા, મોરેશિયસ, ઘાના, નાઈજીરીયા અને મોઝામ્બિકમાં કાર રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ સિવાય બકિંગહામ, બેંગકોક, સિંગાપોર, કુઆલાલંપુર, જકાર્તા અને બાલીમાં પણ સમાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – રામ મંદિર આયોજનને લઈ ગુજરાત કોંગ્રેસ વિવાદમાં, GPCC વડાએ શંકરાચાર્યને બનાવ્યા ઢાલ!
વિજ્ઞાનાનંદે કહ્યું, “VHP નેતૃત્વ કરી રહ્યું છે, પરંતુ આ હિન્દુ સમાજનો કાર્યક્રમ બની ગયો છે. દરેક હિન્દુ સમુદાય માટે આ એક ઐતિહાસિક અવસર છે. હિન્દુઓ વિદેશમાં જોડાયેલા છે અને તેમના મૂળ ભારતમાં છે. જ્યારે ભારતમાં કંઇક થાય છે, ત્યારે તેની અસર આંતરરાષ્ટ્રીય સ્તર પર પડે જ છે.





