Luna 25 : રશિયાનું ચંદ્ર મિશન લુના-25 ક્રેશ: જાણો તેના વિશે બધી જ માહિતી, હવે ચંદ્રયાન 3 રચી શકે છે ઇતિહાસ

Russia Luna 25 crashes : લુના-25ની નિષ્ફળતા દર્શાવે છે કે ચંદ્ર પર સોફ્ટ-લેન્ડિંગ કેટલું મુશ્કેલ છે. 2019માં ભારતનું મિશન પણ નિષ્ફળ રહ્યું હતું

Written by Ashish Goyal
August 20, 2023 18:19 IST
Luna 25  : રશિયાનું ચંદ્ર મિશન લુના-25 ક્રેશ: જાણો તેના વિશે બધી જ માહિતી, હવે ચંદ્રયાન 3 રચી શકે છે ઇતિહાસ
રશિયાનું ચંદ્ર મિશન લુના 25 અવકાશયાન ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળ ગયુ (Roscosmos State Space Corporation)

Russia Luna 25 crashes Into Moon : રશિયાનું ચંદ્ર મિશન લુના 25 અવકાશયાન ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળ ગયુ છે. રશિયાાના અવકાશયાન લુના 25 માં અમુક ટેકનિકલ ખામી સર્જાઇ હતી. રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસે રવિવારે જણાવ્યું હતું કે લુના -25 નિયંત્રણમાંથી બહાર નીકળી ગયું અને ચંદ્ર પર તૂટી પડ્યું છે. તમને જણાવી દઈએ કે રશિયાએ 11 ઓગસ્ટના રોજ Luna-25 લોન્ચ કર્યું હતું. હવે બધાની નજર ચંદ્રયાન-3 પર છે. જો તે સફળતાપૂર્વક ઉતરાણ કરી શકશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચશે.

લુના-25નું શું થયું?

ભારતના ચંદ્રયાન-3 મિશનના થોડા દિવસો પહેલા સોમવારે લુના-3 ચંદ્ર પર ઉતરવાનું હતું. તેનું ઇચ્છિત ઉતરાણ સ્થળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન-3ની નજીક હતું. રોસકોસ્મોસે અસામાન્ય પરિસ્થિતિની જાણ કર્યાના એક દિવસ પછી આ ક્રેશની પુષ્ટિ થઈ હતી, જેનું તેના નિષ્ણાતો વિશ્લેષણ કરી રહ્યા હતા. અંતરિક્ષ એજન્સીએ શનિવારે કહ્યું હતું કે વિમાનને પ્રી-લેન્ડિંગ ઓર્બિટમાં ધકેલી દેવામાં આવ્યું હોવાથી તેનો સંપર્ક તૂટી ગયો છે.

રોસકોસ્મોસે ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે 19 ઓગસ્ટના રોજ લુના -25 અવકાશયાનના ઉડ્ડયન કાર્યક્રમ અનુસાર તેની પ્રી-લેન્ડિંગ લંબગોળ ભ્રમણકક્ષાની રચના માટે એક આવેગ પૂરો પાડવામાં આવ્યો હતો. મોસ્કોમાં લગભગ 14:57 સમય પ્રમાણે લુના -25 અવકાશયાન સાથેના સંદેશાવ્યવહારમાં વિક્ષેપ પડ્યો હતો. 19 અને 20 ઓગસ્ટના રોજ ઉપકરણની શોધ અને તેની સાથે સંપર્કમાં આવવા માટે લેવામાં આવેલા પગલાંનું કોઈ પરિણામ આવ્યું નથી. લુના 25 અવકાશયાનને શનિવારે લેન્ડિંગ પહેલાની છેલ્લી ભ્રમણકક્ષામાં પ્રવેશવ્યા બાદ ટેકનિકલ ખામી સર્જાઇ હતી ત્યારબાદ તેમનો અવકાશયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. અવકાશયાન એક અનિશ્ચિતત ભ્રમણકક્ષામાં ધકેલાઇ ગયું અને ચંદ્રની સપાટી સાથે અથડામણના પરિણામે તે તૂટી પડ્યું છે.

આ પણ વાંચો – ચંદ્રયાન 3નું અંતિમ ડિબૂસ્ટિંગ સફળ, ઇસરો અંતરિક્ષમાં ઇતિહાસ રચવા અગ્રેસર, જાણો હવે ચંદ્ર કેટલો દૂર

અવકાશ એજન્સીએ એમ પણ કહ્યું હતું કે ખાસ રચાયેલું આંતરવિભાગીય કમિશન ચંદ્ર મિશનના નુકસાનના કારણો સ્પષ્ટ કરવાના મુદ્દાઓ પર કામ કરશે.

શું હતું લુના-25 મિશન?

14 જુલાઈએ ચંદ્રયાન-3ના લોન્ચિંગના લગભગ એક મહિના બાદ 11 ઓગસ્ટના રોજ લુના 25 લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ લુના-25 એ શક્તિશાળી રોકેટ પર સવાર થઈને માત્ર છ દિવસમાં ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું હતું. ચંદ્રયાન-3 પહેલા તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું અને તેની સફળતાથી રશિયા આવું કરનારો પ્રથમ દેશ બની ગયો હોત. લુના-25નું મિશન લાઇફ એક વર્ષનું હતું અને તેનું લિફ્ટ-ઓફ માસ 1,750 કિગ્રા હતું. તે રોવરનું વહન કરતું ન હતું, પરંતુ મુખ્યત્વે જમીનની રચના, ધ્રુવીય એક્સોસ્ફીયરમાં ધૂળના કણોનો અભ્યાસ કરવા અને સૌથી મહત્ત્વનું ચંદ્ર પર પૃષ્ઠીય જળને શોધવા માટે આઠ પેલોડ ધરાવતું હતું.

યુદ્ધના સમયે અંતરિક્ષ મિશન

રશિયા માટે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચંદ્ર પર એક મિશન મોકલવું એ વૈજ્ઞાનિક સંશોધનના પ્રયાસની સાથે એક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ હતો. 1960 અને 1970ના દાયકામાં તત્કાલીન સોવિયેટ યુનિયન દ્વારા મોકલવામાં આવેલા ચંદ્ર મિશનની લુના શ્રેણીને ચાલુ રાખવા માટે લુના 25નું નામ આપવામાં આવ્યું હતું. 1976માં લોન્ચ કરવામાં આવેલું લુના 24 ચંદ્રની સપાટી પર ઉતરનારું છેલ્લું અવકાશયાન હતું. આ પછી ચંદ્ર અભિયાનો લગભગ બે દાયકા સુધી સંપૂર્ણપણે બંધ રહ્યા હતા.

લુના 25 એ ચંદ્ર મિશનની શ્રેણીમાંનું પહેલું હતું જે રશિયા આ દાયકામાં હાથ ધરવાની યોજના ધરાવે છે. આગામી ત્રણ વર્ષમાં લુના 26 લોન્ચ થવાનું છે, જ્યારે આ શ્રેણીમાં ઓછામાં ઓછી વધુ બે યોજના જાહેર કરી દેવામાં આવી છે.

મહત્વ

લુના-25ની નિષ્ફળતા દર્શાવે છે કે ચંદ્ર પર સોફ્ટ-લેન્ડિંગ કેટલું મુશ્કેલ છે. 2019માં ભારતનું મિશન પણ નિષ્ફળ રહ્યું હતું. 1976થી ચીન જ એક જ દેશ એવો છે, જે પોતાના અવકાશયાનને ચંદ્ર પર નરમ જમીન પર ઉતારવામાં સફળ રહ્યો છે. ચાંગે 3 અને ચાંગે 4 સાથે તેણે આવું બે વાર કર્યું છે. છેલ્લાં દસ વર્ષમાં ભારત, ઇઝરાયલ, જાપાન અને હવે રશિયા દ્વારા કરવામાં આવેલા અન્ય તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ઉતરાણ કરી શકશે તો ભારત અમેરિકા, તત્કાલીન સોવિયેત યુનિયન અને ચીન પછી વિશ્વનો માત્ર ચોથો એવો દેશ બની જશે કે જેણે ચંદ્ર પર અવકાશયાન ઉતાર્યું હોય અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ દેશ હશે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ