Russia Moon Mission vs Chnadrayaan 3 | ઈસરોના ચંદ્રયાન 3 ની સફળતા જોતાં ચંદ્ર પર જવાની જાણે હોડ લાગી છે. રશિયાએ પણ ચંદ્ર પર જવાની તૈયારીઓ હાથ ધરી છે. રશિયા અંદાજે 50 વર્ષ બાદ પોતાનું પહેલું મૂન મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. 11 ઓગસ્ટે રશિયા પોતાનું લૂનર લેન્ડર મિશનને લોન્ચ કરશે. રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ (Roscosmos) એ જણાવ્યું કે, 1976 બાદ રશિયા પોતાનું લૂના-25 મૂન લેન્ડર મોસ્કોથી લગભગ 5550 કિમી પૂર્વ સ્થિત વોસ્તોચની કોસ્મોડ્રોમ ખાતેથી લોન્ચ કરશે.
રશિયા મૂન મિશન માટે જે સ્થળેથી લૂનર લેન્ડર લોન્ચ કરવાનું છે સ્થળ નજીકના લોકોને 11 ઓગસ્ટ સવાર સુધી ગામ ખાલી કરી દેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. રશિયન વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, રોકેટમાં લગાવેલ બૂસ્ટર લોન્ચ બાદ રોકેટથી અલગ થઇને આ ગામ પર પડવાની સંભાવના છે. ખાવરોવસ્ક વિસ્તારના વેરખનેબુરિંસ્કી જિલ્લાના પ્રમુખ અલેક્સી માસ્લોવ એ કહ્યું કે, ઉમાલ્ટા, ઉસ્સામખ, લેપિકન, તસ્તાખ, સાગનાર નદી પટ અને બુરેયા નદીનો વિસ્તાર બૂસ્ટર પડવાના જોખમી વિસ્તારમાં આવે છે.
રોસ્કોસ્મોસ એ જણાવ્યું કે, લૂના 25 મૂન લેન્ડરને લઇને અંતરિક્ષ માં સોયુઝ-2 શક્તિશાળી રોકેટ લોન્ચર લઇને જશે. મૂન મિશનનો મુખ્ય હેતું ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો છે. આ મિશન અંતર્ગત રશિયા ચંદ્રની આંતરિક સંરચનાને સમજવાનો પ્રયાસ કરશે. રશિયન વૈજ્ઞાનિકો ચંદ્ર પર હાજર ખનીજ અને રસાયણોનું અધ્યયન કરશે અને ચંદ્રની સપાટી પર પાણી અંગે સંશોધન કરશે.
ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ 5 ઓગસ્ટે સફળતાપૂર્વક ચંદ્રયાન 3 ને ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચાડી દીધું છે. ચંદ્રયાન 3 હવે ધીરે ધીરે ચંદ્રની ઓર્બિટમાં આગળ વધી રહ્યું છે. ઇસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી તરફ સોફ્ટ લેન્ડિગ માટે આગળ વધી રહ્યું છે. 17 ઓગસ્ટે લેન્ડર મોડલ અને પ્રોપલ્શન મોડલ એક બીજાથી અલગ થશે અને 23 ઓગસ્ટે સાંજે 5 કલાક 45 મિનિટ પર ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે.





