Prigozhin orders Wagner halt to Moscow march in Russia : રશિયાના રાષ્ટ્રપતિની બે દાયકા જૂની સત્તા માટે પડકાર સાબિત થઈ રહેલા ખાનગી રશિયન સૈન્ય દળ ‘વેગનર ગ્રૂપ’ના વડા યેવજેની પ્રિગોઝિને શનિવારે પોતાના સૈનિકોને આગળ વધતા અટકાવ્યા હતા. તેણે એવી પણ ઘોષણા કરી કે, કોઈ પણ પ્રકારના રક્તપાતને રોકવા માટે તેણે સૈનિકોને મોસ્કો તરફ કૂચ ન કરવા અને યુક્રેનમાં તેમની છાવણીઓમાં પાછા ફરવા જણાવ્યું છે.
આ ઘોષણા સમયે પ્રિગોઝિનના સૈનિકો 200 કિમીથી ઓછા દૂર હતા
આ ઘોષણા ત્યારે થઈ જ્યારે મોસ્કો વેગનરના સૈનિકોના આગમનની તૈયારી કરી રહ્યું હતું, પ્રિગોઝિનના સૈનિકો 200 કિમીથી પણ ઓછા દૂર હતા. ક્રેમલિને હજુ સુધી પરિસ્થિતિ પર ટિપ્પણી કરી નથી. મોસ્કોએ સશસ્ત્ર વાહનો અને સૈનિકો સાથે તેની દક્ષિણ બાજુ પર ચોકીઓ સ્થાપીને વેગનર સાથે વ્યવહાર કરવા માટે તૈયારી કરી લીધી. રેડ સ્ક્વેર બંધ કરી દેવામાં આવ્યો અને મેયરે મોટરચાલકોને અમુક રોડ રસ્તાઓથી દૂર રહેવા આગ્રહ કર્યો હતો.
આ અગાઉ, બેલારુસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેંકોના કાર્યાલયે જાહેરાત કરી હતી કે તેઓએ વેગનરની આગેકૂચને રોકવા અને તણાવ ઘટાડવા માટે પ્રોગોઝોન સાથે સોદા પર વાટાઘાટો કરી છે.
નિવેદનમાં ઉલ્લેખ કરાયો છે કે, સૂચિત કરારમાં વેગનર સૈનિકો માટે સુરક્ષાની બાંયધરીનો સમાવેશ થાય છે, પરંતુ રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગુને હટાવવા માટેની પ્રિગોઝિનની માંગ પૂરી થશે કે કેમ તે અંગે વિસ્તૃત માહિતી આપી નથી. .
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના ભૂતપૂર્વ સાથી યેવજેની પ્રિગોઝિનની આગેવાની હેઠળના “સશસ્ત્ર બળવો” સાથે સંકળાયેલા લોકોને કડક સજા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. તેણે કસમ લીધી છે કે, તેઓને સજા કરશે. રાષ્ટ્રના નામે ટેલિવિઝન સંબોધનમાં, પુતિને બળવાને “રાજદ્રોહ” અને “દેશદ્રોહ” ગણાવ્યો હતો. પુતિને કહ્યું કે, “વિહ્રોહની તૈયારી કરનાર તમામ લોકોને સખત સજા કરવામાં આવશે. આની માટે સશસ્ત્ર દળો અને અન્ય સરકારી એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.”
શરૂઆતમાં વેગનર ગ્રૂપના સ્થાપક અને વડા પ્રિગોઝિન, જે હાલમાં યુક્રેનમાં લડાઈમાં સામેલ છે, પોતાની સેનાને રશિયામાં પરત બોલાવી અને રોસ્ટોવ-ઓન-ડોન શહેરમાં એક મુખ્ય સૈન્ય થાણા પર કબજો જમાવી લીધો. ત્યારબાદ તેઓએ મોસ્કો તરફ આગેકૂચ કરી. તેઓએ તેને “માર્ચ ફોર જસ્ટિસ” તરીકે ઓળખાવ્યું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે 25,000 થી વધુ સૈનિકો છે અને તેની પ્રત્યે વફાદાર છે. પ્રિગોઝિને કહ્યું, “અમે અમારા રસ્તામાં એક પણ વ્યક્તિને માર્યો નથી.”
વાસ્તવમાં, પ્રિગોઝિન વ્લાદિમીર પુતિનના સૌથી નજીકના સહાયકોમાંના એક હતા. એક અપરાધીમાં વેપારી બનેલા પ્રિગોઝિનનો ઉદય તેના કેટરિંગ બિઝનેસને કારણે થયો હતો. તેના દ્વારા રશિયાના અમિર અને અને શક્તિશાળી લોકોને સેવા પૂરી પાડવામાં આવતી હતી. “પુતિનના રસોઇયા” તરીકે ઓળખાતા, પ્રિગોઝિને 2014માં પુતિનના ક્રિમીયા પર આક્રમણમાં મદદ કરવા માટે વેગનર ગ્રુપની સ્થાપના કરી હતી. ત્યારથી તે વિશ્વભરમાં ખાસ કરીને આફ્રિકા અને સીરિયામાં રશિયન ‘હસ્તક્ષેપ’માં સામેલ રહ્યા છે.