Russia Space Based Nuclear Weapon : રશિયા અને અમેરિકા વચ્ચે સંબંધ હંમેશા તણાવપૂર્ણ રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ અને તેના સહયોગીઓ રશિયા દ્વારા નવા અવકાશ-આધારિત પરમાણુ શસ્ત્રો તૈનાત કરવા અંગે ચિંતિત હોવાના અહેવાલો આવી રહ્યા છે. હવે રશિયા અને અમેરિકા વચ્ચે સ્પેસ વોર એટલે કે અંતરિક્ષમાં યુદ્ધના મંડાઇ થવાના સંકેત મળી રહ્યા છે. આ અવકાશ આધારિત પરમાણુ શસ્ત્રો અંતરિક્ષમાં ઉપગ્રહો સામે જોખમ ઉભું કરી શકે છે.
રશિયાથી અમેરિકાને કેમ ડર લાગે છે?
અમેરિકાને રશિયાના સ્પેસ બેઝ્ડ ન્યુક્લિયર વેપનની ચિંતા સતાવી રહી છે. જો આવા હથિયાર તૈનાત કરવામાં આવે છે, તો તે નાગરિક અને અને લશ્કરી સંદેશાવ્યવહારમાં ઉપયોગી સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકે છે અને નષ્ટ કરી શકે છે. આથી આવા હથિયાર અમેરિકા અને તેના સાથી દેશોના સેટેલાઇટ માટે જોખમી સાબિત થઇ શકે છે.

યુનાઈટેડ સ્ટેટ્સ સરકારના ભૂતપૂર્વ અધિકારીએ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે, હાલમાં કોઈપણ દેશ પાસે આવા હથિયારનો સામનો કરવાની ક્ષમતા કે ટેકનોલોજી નથી. રશિયા 1967ની બાહ્ય સ્પેસ સંધિ માંથી બહાર નીકળવાની યોજના ધરાવે છે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉભા થાય છે, જે તમામ ઓર્બિટલ ન્યુક્લિયર વેપનને અટકાવે છે. પરંતુ દેશ આવા શસ્ત્રો તૈનાત કરવાની નજીક નથી અને તેથી તાત્કાલિક ખતરો નથી.
લેસ્ટર યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર બ્લેડિન બોવેન કે જેઓ બાહ્ય અવકાશ આંતરરાષ્ટ્રીય સંબંધો અને યુદ્ધ વિષયમાં નિષ્ણાત છે, તેમણે ધ ગાર્ડિયનને જણાવ્યું કે, માહિતીના અભાવે હાલ ગભરાવાનું કોઈ કારણ નથી. “તે ખૂબ અસ્પષ્ટ અને રહસ્યમય છે, તે ઘણી જુદી જુદી વસ્તુઓ હોઈ શકે છે. [પરંતુ] તે ગમે તે હોય, તેમાંથી કોઈ પણ મોટી વાત નથી, પ્રમાણિકપણે. દરેક વ્યક્તિએ આ અંગે શાંત રહેવાની જરૂર છે.”
ઉપરાંત, જ્યાં સુધી દેશનો મામલો છે ત્યાં સુધી, આઉટર સ્પેસ ટ્રીટીની કલમ 4 પરમાણુ શસ્ત્રોને ભ્રમણકક્ષામાં મૂકવા, કોઈપણ અવકાશી પદાર્થ પર સ્થાપિત કરવા અથવા અન્ય કોઈપણ રીતે બાહ્ય અવકાશમાં સ્થાપિત કરવા પર પ્રતિબંધ મૂકે છે. 1963ની આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પણ અવકાશમાં પરમાણુ વિસ્ફોટો પર પ્રતિબંધ મૂકે છે.
આ પણ વાંચો | શબ્દ લખો અને વીડિયો બની જશે, ચેટજીપીટી ઓપનએઆઈ એ લોન્ચ કર્યું સોરા ટુલ્સ, જાણો કેવી રીતે કામ કરે છે?
ધ ઇકોનોમિસ્ટના જણાવ્યા અનુસાર, રશિયા દ્વારા શું વિકસીત કરવામાં આવી શકે છે તેના ત્રણ વિકલ્પો છે. એક “પોપ-અપ” પરમાણુ શસ્ત્ર છે જે ઉપગ્રહોને નાશ કરવા માટે રચાયેલ છે. તે જમીન પર સ્થિર થઈ શકે છે અને જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જ તેને લોન્ચ કરી શકાય છે. બીજું ભ્રમણકક્ષામાં સ્થિત પરમાણુ હથિયાર હોઈ શકે છે અને ત્રીજું, તે ન્યુક્લિયર પાવર સેટેલાઇટ હોઈ શકે છે.





