રશિયાની સેના પર એક મોટો હુમલો થયો છે. સમગ્ર ઘટનાની વાત કરીયે તો, બે અજાણ્યા સૈનિકોએ રશિયન સેના પર ગોળીબાર કર્યો, જેમાં રશિયાના 11 સૈનિકોના મોત થયા. જોકે, પાછળથી બંદૂકધારી બંને વ્યક્તિને રશિયન સેનાએ ઠાર માર્યા હતા. આ દરમિયાન રશિયાના રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, તેને આતંકવાદી ઘટના ગણાવી છે.
આ ઘટનામાં 15થી વધુ જવાનો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના સૈનિકો પર થયેલા હુમલાને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
બંને હુમલાખોરોની ઓળખ ભૂતપૂર્વ સોવિયત નાગરિક તરીકે કરવામાં આવી છે. આ દરમિયાન રશિયન સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના યુક્રેન નજીક આર્મી ફાયરિંગ રેન્જમાં બની હતી. અહેવાલ અનુસાર, સૈનિકો શનિવારે ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બે વ્યક્તિઓએ જવાનો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે રશિયન સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી અને બંને માર્યા ગયા.
આ ઘટના બેલગોરેડ વિસ્તારમાં બની હતી, જે યુક્રેન સાથે જોડાયેલી રશિયાની પશ્ચિમ સરહદ પર આવેલુ છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સૈનિકોની સંખ્યા વધારવાની વાત કહી છે. રશિયાએ સેનામાં ત્રણ લાખ રિઝર્વ ફોર્સ એટલે કે સૈન્ય તાલિમબદ્ધ નાગરિકોને તૈનાત કરવાની યોજના બનાવી છે.
કેર્ચ રેલવે બ્રિજ પર પણ વિસ્ફોટ થયો
ઉલ્લેખનિય છે કે, થોડાક દિવસો અગાઉ રશિયાને ક્રિમીયા સાથે જોડતા કેર્ચ રેલ્વે બ્રિજ પર પણ વિસ્ફોટ થયો હતો, જેમાં આ પુલ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો હતો. આ બ્લાસ્ટમાં લગભગ 3 લોકોના મોત થયા હતા. આ પુલ રશિયા દ્વારા ક્રિમીયા પર કરાયેલા કબજાને દર્શાવતો હતો, પરંતુ હવે તેને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો છે.
તો આ ઘટના મામલે રશિયાના પ્રમુખ પુતિને કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે તે એક આતંકવાદી કૃત્ય છે અને તેનો હેતુ મહત્વના નાગિરક સુવિધાઓના માળખાને નષ્ટ કરવાનો હતો. પુતિને રશિયન તપાસ સમિતિના અધ્યક્ષ એલેક્ઝાન્ડર સાથેની મુલાકાત બાદ આ નિવેદન આપ્યું હતું. બ્રિજ પર આ વિસ્ફોટની ઘટનાની એક વિસ્ફોટક ભરેલી ટ્રકનો વિસ્ફોટ કરીને અંજામ આપવામાં આવ્યો હતો, આ ઘટનામાં ટ્રકનો ડ્રાઈવર પણ માર્યો ગયો હતો.