Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હજુ અટક્યું નથી. શાંતિ અને સુલેહ પુન:સ્થાપિત કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આ દરમિયાન અમેરિકા શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે બંને દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્ર યુક્રેન અને રશિયા વચ્ચે સંભવિત સમજૂતીને લઈને એક ચોંકાવનારો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ટ્રમ્પના વિશેષ દૂતે સૂચન કર્યું છે કે યુક્રેનના કેટલાક મુખ્ય પ્રદેશો રશિયાને સોંપવામાં આવે. જો કે આ ‘ડીલ’ને લઈને ટ્રમ્પ પ્રશાસનની અંદર રણનીતિક મતભેદો સામે આવી રહ્યા છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર યુદ્ધ સમાપ્ત કરવાની યોજનાના ભાગરૂપે યુક્રેનને સૌથી પહેલા બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. યુક્રેનના પૂર્વ ભાગમાં રશિયન સેનાનો કબજો રહેશે. જો કે, પશ્ચિમ, બ્રિટન અને ફ્રાંસની સેનાઓને આશ્વાસન દળો તરીકે તૈનાત કરવામાં આવશે. મધ્યમાં, આખું યુક્રેન એક નાગરિક ક્ષેત્ર રહેશે, જ્યાં લોકો રહેશે. આ ઉપરાંત યુક્રેનની સેના પણ ત્યાં જ રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કોઈ પણ ગ્રાઉન્ડ ફોર્સ તૈનાત કરવામાં આવશે નહીં. કીથ કેલોગે ટાઇમ્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં આ સૂચનો કર્યા હતા. તેમણે કહ્યું કે, બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની સાથે જે બન્યું તેવું જ થશે.
રશિયા યુક્રેન યુદ્ધ ત્રણ વર્ષથી ચાલુ
તમને જણાવી દઈએ કે અમેરિકાએ થોડા દિવસ પહેલા સાઉદી અરબમાં રશિયન પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન અમેરિકાએ પ્રસ્તાવ મૂક્યો હતો કે શરૂઆતના 30 દિવસ માટે અસ્થાયી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે. જો કે રશિયાએ આ પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. રશિયાએ કહ્યું હતું કે જો યુદ્ધવિરામ થશે તો તે પૂર્ણ થશે. આ યુદ્ધ ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી પશ્ચિમમાં, ખાસ કરીને નાટો (NATO) માં જોડાવા માંગતા હતા.
રશિયા યુક્રેન યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો
રશિયા યુક્રેનના લગભગ 20 ટકા હિસ્સા પર નિયંત્રણ ધરાવે છે. તે મોટે ભાગે પૂર્વીય ભાગને આવરી લે છે. લાખો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે અને હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. કેલોગની યોજના આગળ વધશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ યુક્રેનના ઘણા અધિકારીઓ તેની વિરુદ્ધમાં છે, એમ અહેવાલમાં જણાવાયું હતું.





