Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણી અને નીતિઓના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે ભારતના હિત સામે તેમને દબાણમાં લાવવા ખૂબ જ મુશ્કેલ છે. બંને દેશો વચ્ચે સારા સંબંધો અંગે તેમના મંતવ્યો વિશે સોશિયલ મીડિયા પર એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. તેમની નીતિ ભારત અને રશિયા વચ્ચેના ગાઢ સંબંધોની ગેરંટી છે.
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે રશિયા-ભારતના સંબંધો સતત બધી દિશાઓમાં વિકસિત થઈ રહ્યા છે અને તેની મુખ્ય ગેરંટી વડાપ્રધાન મોદીની નીતિ છે. હું કલ્પના પણ કરી શકતો નથી કે મોદીને ભારતના રાષ્ટ્રીય હિત, ભારતીય લોકો સામે કોઇ કાર્યવાહી કે નિર્ણય લેવા માટે ડરાવી, ધમકાવી કે મજબૂર કરી શકાય. હું જાણું છું કે તેમના પર આવું દબાણ છે. અમે તેમની સાથે આ વિશે ક્યારેય વાત પણ કરી ન હતી. હું ફક્ત બહારથી શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યો છું. પ્રામાણિકપણે કહું તો ભારતીય પ્રજાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાના તેમના કડક વલણથી મને પણ ક્યારેક આશ્ચર્ય થાય છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કઠોર નિર્ણયની પ્રશંસા કરતો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યૂઝર પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં સંપૂર્ણ અવાજ હિન્દીમાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંને દેશો વચ્ચે વધી રહેલા સંબંધો વિશે વિસ્તારથી ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે રશિયા અને ભારત વચ્ચેના સંબંધો સતત બધી દિશાઓમાં વિકસિત થઈ રહ્યા છે અને આની મુખ્ય ગેરંટી વડાપ્રધાન મોદીની નીતિ છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા 2023માં મોદી સરકારના ત્રણ અસરકારક પગલા, જાણો ભાજપની રણનીતિ
રશિયાના સાંસદોએ બુધવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે પાંચમી વખત ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કરતા દેશમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરાવવાની તારીખ 17 માર્ચ 2024 નક્કી કરી છે. 71 વર્ષીય પુતિને હજુ સુધી ચૂંટણી લડવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો નથી પરંતુ ચૂંટણીની તારીખ નક્કી થઈ ગઈ હોવાથી આગામી કેટલાક દિવસોમાં આવું કરે તેવી શક્યતા છે. બંધારણીય સુધારાના ભાગરૂપે આગામી વર્ષે તેમની વર્તમાન મુદત પૂરી થયા બાદ તેઓ વધુ બે વખત અને છ વર્ષના કાર્યકાળ માટે ચૂંટણી લડી શકે છે.
રશિયાની રાજકીય વ્યવસ્થામાં ચુસ્ત પકડ જાળવી રાખતાં પુતિનની જીત લગભગ નક્કી છે. ચૂંટણીમાં તેમને પડકારતા તેમના સંભવિત ટીકાકારો જેલમાં બંધ છે અથવા વિદેશમાં રહે છે અને મોટાભાગના સ્વતંત્ર મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સ્વતંત્ર ઓપિનિયન પોલ્સ અનુસાર યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી અને ખાનગી લશ્કરી કંપનીના પ્રમુખ યેવગેની પ્રિગોઝીનના બળવાની પુતિનની વિશ્વસનીયતા પર કોઇ અસર પડે તેમ લાગતું નથી. માર્ચમાં યોજાનારી ચૂંટણીઓ પુતિનને ઓછામાં ઓછા 2030 સુધી સત્તામાં રાખે તેવી અપેક્ષા છે.





