ક્ષિણ કોરિયાના હેલોવીન ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થતા નાસભાગ મચી હતી અને જેના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત નિપજ્યા છે. આ કરુણ ઘટનામાં અત્યાર સુધીમાં 151 લોકોના મોત થયા છે. દક્ષિણ કોરિયામાં આ ફેસ્ટિવલ અત્યંત ગીચ વિસ્તારમાં ઉજવવામાં આવી રહ્યો હતો, જેમાં અંદાજે એક લાખથી વધારે લોકો એકઠાં થયા હોવાનું માનવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
દક્ષિણ કોરયિાની હેલોવીન ફેસ્ટિવલની આ કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર લોકોમાં બાળકો અને પુખ્ત વયના યુવાન વ્યક્તિઓ છે.
નેશનલ ફાયર એજન્સીના અધિકારી ચોઈ ચેઓન-સિકે જણાવ્યું હતું કે શનિવાર (29 ઓક્ટોબર, 2022)ની રાત્રે હેલોવીન ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકોની જંગી ભીડના પરિણામે લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ પર ડઝનેક લોકોને CPR આપવામાં આવી રહ્યું છે જ્યારે ઘણાને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે એક નિવેદન જારી કરીને અધિકારીઓને ઇજાગ્રસ્તોની ઝડપી સારવારની ખાતરી કરવા અને તહેવારના સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવા આદેશ કર્યો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ભારે ભીડને કારણે લગભગ 100 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેના કારણે ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી પછી પહેલીવાર આઉટડોર નો-માસ્ક હેલીવોન ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો હતો, જેમાં 100,000 લોકો આવ્યા હોવાનું મનાય છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તાઓ પર ભારે ભીડ વચ્ચે ઈમરજન્સી સેવા આપીને ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. દક્ષિણો કોરિયાના પાટનગર સિયોલમાં આ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દેશ- વિદેશથી લોકો આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે હેલોવીન તહેવાર પશ્ચિમના ઘણા દેશોમાં પણ ઉજવવામાં આવે છે. હવે તે વિશ્વના ઘણા દેશમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હેલોવીનની રાત્રે ચંદ્ર તેના નવા રૂપમાં દેખાય છે. હેલોવીન ફેસ્ટિવલની શરૂઆત આયર્લેન્ડ અને સ્કોટલેન્ડથી થઇ હતી. આ તહેવારમાં લોકો ડરામણા મેકઅપ કરીને અને ડ્રેસ પહેરીને આવે છે.
એવું માનવામાં આવે છે કે આ તહેવાર પૂર્વજોની આત્માની શાંતિ માટે મનાવવામાં આવે છે. તેની ઉત્પત્તિ પ્રાચીન સેલ્ટિક ફેસ્ટિવલ સેમહેનથી છે. આ દિવસ સેલ્ટિક કેલેન્ડરનો છેલ્લો દિવસ છે, તેથી તે સેલ્ટિક લોકોમાં નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે.
મોટી સંખ્યામાં બચાવદળ મોકલાયા…
આ કરુણ દુર્ઘટનામાં દક્ષિણ કોરિયાના ઇમરજન્સી કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હેલોવીન ફેસ્ટિવલમાં નાસભાગ મચતા બચવા કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેની માટે 517 ફાયર ફાઇટરો, 1,100 પોલીસ અધિકારીઓ અને લગભગ 70 સરકારી કર્મચારીઓ સહિત 1,700 થી વધુ ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સને મોકલવામાં આવ્યા હતા.
આ દૂર્ઘટનામાં મરનાર મોટાભાગના લોકો દક્ષિણ કોરિયાના હતા. યોંગસન ફાયર વિભાગના ચીફ ચોઈ સિઓંગ-બમે જણાવ્યું હતું કે, મૃતકોમાં બે વિદેશી નાગરિકો પણ છે અને 15 વિદેશી નાગરિકો ઘાયલ થયા છે. તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે એક અમેરિકી નાગરિક આ નાસભાગમાં ઘાયલ થયો હતો.