કિરણ પરાસર : સુદાનમાં સેના અને શક્તિશાળી અર્ધલશ્કરી દળ વચ્ચેની લડાઈમાં કર્ણાટકના ઓછામાં ઓછા 31 આદિવાસીઓ સુદાનના શહેર અલ-ફાશરમાં ફસાઇ ગયા છે. કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીના રહેવાસી એસ પ્રભુએ ઇન્ડિયન એક્સપ્રેસને ફોન પર જણાવ્યું કે તેઓ તેમના ઘરની બહાર પગ મુક્યાને ચાર-પાંચ દિવસ થયા છે અને તેમના પડોશમાં વારંવાર બોમ્બ ધડાકા અને શેલ હુમલા થઈ રહ્યા છે.
એસ પ્રભુએ જણાવ્યું હતું કે અમે ભાડાના મકાનમાં ફસાયેલા છીએ જ્યાં ખોરાક અને પીવાના પાણીની સુવિધા નથી. બહાર ગોળીબાર સંભળાય છે. કોઈ અમારી સમસ્યા સાંભળી રહ્યું નથી અને અમને ખાતરી નથી કે અમે ભારત કેવી રીતે પાછા ફરીશું.
36 વર્ષીય પ્રભુ અને તેમની પત્ની સોનિયા આયુર્વેદિક ઉત્પાદનો વેચવા માટે 10 મહિના પહેલા સુદાન ગયા હતા, જેની ત્યાં અને આફ્રિકામાં નોંધપાત્ર માંગ છે. તેમણે કહ્યું કે અમે હક્કી પિક્કી જાતિના છીએ. સુદાનમાં વિવિધ સ્થળોએ સેંકડો ભારતીયો ફસાયેલા છે. મારા નાના બાળકોને છોડીને હું અને મારી પત્ની અહીં કમાવવા આવ્યા છીએ. અમને ખબર ન હતી કે સુદાનમાં આ સમસ્યાઓ છે.
આ પણ વાંચો – સંશોધન : જેમ જેમ વિશ્વભરમાં ગરમી વધી રહી છે દુકાળ જલ્દી પડવાની સંભાવના
તેમણે જણાવ્યું કે અમે ત્રણ દિવસથી ભોજન લીધું નથી. રહેણાંક સંકુલમાં પાણીની ટાંકી છે જે સુકાઈ જવા લાગી છે. અમે સ્નાન કર્યું નથી કે પીવા સિવાય અન્ય કોઈ હેતુ માટે પાણીનો ઉપયોગ કર્યો નથી. ક્રોસફાયર દરમિયાન કોમ્પ્લેક્સના એક ઘરની દિવાલને નુકસાન થયું છે. પ્રભુએ કહ્યું કે અટવાયેલા લોકોમાંથી પાંચ ચન્નાગિરીના છે, સાત શિવમોગાના છે અને 19 મૈસૂરના હુનસુર તાલુકાના છે.
શનિવારે ખાર્તુમમાં સૈન્ય અને દેશના શક્તિશાળી અર્ધલશ્કરી દળ, રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચે ભીષણ લડાઈ ફાટી નીકળી હતી. અરાજકતાગ્રસ્ત દેશમાં વ્યાપક સંઘર્ષની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુદાનમાં ભારતીય દૂતાવાસે રવિવારે ટ્વિટ કર્યું હતું કે સુદાનમાં પ્રિય ભારતીય નાગરિકો, તાજેતરના ઇનપુટ્સના આધારે બીજા દિવસે લડાઈ શમી નથી. અમે તમામ સાથી ભારતીયોને નિષ્ઠાપૂર્વક વિનંતી કરીએ છીએ કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે અને બહાર નીકળવાનું સાહસ ન કરે.