અરુણાચલ અને લદ્દાખની LAC પર કદમતાલ કરતા જોવા મળ્યા તિબેટીયન સૈનિકો, PLAએ ભરતી કરીને આપી છે ટ્રેનિંગ

India China Border : ચીને ઉંચાણવાળા પર્વતીય વિસ્તારોમાં પોતાનું સુરક્ષા કવચ મજબૂત કરવા અને પીએલએને મદદ કરવા માટે તિબેટીયન સૈનિકોની ભરતી શરૂ કરી હતી

Written by Ashish Goyal
Updated : June 27, 2023 22:33 IST
અરુણાચલ અને લદ્દાખની LAC પર કદમતાલ કરતા જોવા મળ્યા તિબેટીયન સૈનિકો, PLAએ ભરતી કરીને આપી છે ટ્રેનિંગ
ચીને પર્વતીય વિસ્તારોમાં પીએલએની મદદ માટે તિબેટિયનોને સેનામાં ભરતી કર્યા છે (પ્રતિકાત્મક તસવીર, ફાઇલ ફોટો)

Tibetan Troops : ચીનની વધુ એક નવી ચાલાકીનો ખુલાસો થયો છે. ચીને લદ્દાખ અને અરુણાચલમાં એલએસી પર પેટ્રોલિંગ કરવા માટે તિબેટીયન સૈનિકો તૈનાત કર્યા છે. જેઓ કદમતાલ કરતા જોવા મળ્યા છે. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો પીએલએના સૈનિકોની સંખ્યા વધારે છે. ચીને પર્વતીય વિસ્તારોમાં પીએલએની મદદ માટે તિબેટિયનોને સેનામાં ભરતી કર્યા છે અને આ તિબેટીયન સૈનિકોને યોગ્ય તાલીમ પણ આપવામાં આવી છે.

વર્ષ 2020માં એલએસી પર ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી ચીને ઉંચાણવાળા પર્વતીય વિસ્તારોમાં પોતાનું સુરક્ષા કવચ મજબૂત કરવા અને પીએલએને મદદ કરવા માટે તિબેટીયન સૈનિકોની ભરતી શરૂ કરી હતી. સુરક્ષા દળોના સૂત્રોએ જણાવ્યું હતું કે તિબેટના સૈનિકો હવે ચીની સૈનિકો સાથે સરહદ પર પેટ્રોલિંગ કરતા જોવા મળે છે. પરંતુ સંખ્યા અને મુખ્ય ભૂમિકાની દ્રષ્ટિએ ચીની સૈનિકો આગળ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચીની સૈનિકોને ઉંચાઇવાળા પર્વતીય વિસ્તારોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તેમણે એ પણ જોયું છે કે જ્યારે ભારતીય સેનાએ કૈલાસ પર્વતમાળાના ઊંચા શિખરો પર કબજો જમાવ્યો ત્યારે ઘણા તિબેટીયન સૈનિકો સહિત ભારતીય વિશેષ સીમાંત દળના સૈનિકોએ કેવું પ્રદર્શન કર્યું હતું.

રિપોર્ટ પ્રમાણે ચીને તેના વરિષ્ઠ કમાન્ડરોને દરેક તિબેટીયન પરિવારમાંથી ઓછામાં ઓછા એક સૈનિકને સામેલ કરવા અને તેમને દેશ પ્રત્યે વફાદાર બનાવવા તેમજ તેમના પરિવારો પર નજર રાખવાની સૂચના જારી કરી હતી. જોકે સૂત્રોના મતે ચીનના આ પગલાંને કારણે પ્રભાવિત પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ થી સન્માનિત કરાયા, જાણો શું છે આ એવોર્ડ

ભારત અને ચીન વચ્ચે એપ્રિલ-મે 2020થી સૈન્ય તણાવ ચાલી રહ્યો છે. બંને દેશોના સરહદી વિસ્તારોમાં સૈનિકોની ભારે જમાવટ કરવામાં આવી છે. ભવિષ્યમાં ચીનના કોઈ પણ સંભવિત દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પૂર્વી લદ્દાખ સેક્ટરમાં પણ સૈનિકોની સારી તૈનાતી કરી છે. સેનાએ ઉત્તરીય સરહદો તરફ પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને બંને મોરચાના ખતરાનો સામનો કરવા માટે બેવડી જવાબદારી સાથે એક નવું સમીકરણ તૈયાર કર્યું છે.

એલએસી નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધવાની સાથે જ ચીને સેનામાં રેકોર્ડ સંખ્યામાં તિબેટીયનોની ભરતી કરી છે. એક રિપોર્ટ અનુસાર ચીને 2022માં 2021ની સરખામણીમાં 20 ટકાથી વધુ તિબેટીયનોની પીએલએમાં ભરતી કરી હતી. એટલું જ નહીં ચીને 6થી 9 વર્ષના તિબેટિયન બાળકોને શરૂઆતથી જ સેના સાથે સંબંધિત શિક્ષણ આપવા માટે ખાસ શાળાઓ પણ ખોલી છે.

એલએસીની આસપાસના મોડલ ગામમાં પણ આ તિબેટીયનો માટે આવી ઘણી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. જેથી તેઓ અહીં જ સ્થાયી થાય અને પીએલએમાં જોડાઇને ચીની સેનાની તાકાત બને. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ પ્રમાણે પીએલએએ 2022માં લગભગ પાંચ હજાર તિબેટીયન યુવાનોની ભરતી કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ