TikTok: એલોન મસ્ક ટ્વિટર બાદ હવે ચાઇનીઝ એપ ટિકટોક હસ્તગત કરશે તેવું બ્લૂમબર્ગે એક રિપોર્ટમાં જણાવ્યું છે. તાજેતરમાં બ્લૂમબર્ગ એક રિપોર્ટમાં લખ્યું હતુ કે, અમેરિકામાં ટિકટોક ચાલુ રાખવા માટે ચાઇનીઝ એપનો યુએસ બિઝનેસ અબજોપતિ એલોન મસ્કને વેચવા વિચારી કરી રહ્યા છે. હવે આ મામલે ટિકટોક તરફથી પ્રથમ નિવેદન આવ્યું છે. જાણો એલોન મસ્ક દ્વારા ટિકટોક ખરીદવાના અહેવાલ વિશે ચાઇનીઝ કંપનીએ શું કહ્યું.
ટિકટોક તરફથી આ પ્રતિકિયા સોમવારે બ્લુમબર્ગના એ રિપોર્ટ બાદ આવી છે, જેમા કહેવાયું હતું કે ચીની અધિકારી એલોન મસ્ક દ્વારા ટિકટોકનો યુએસ બિઝનેસ હસ્તગત કરવાના વિકલ્પ શોધી રહ્યા છે. આવું ત્યારે થશે જ્યારે કાયદો લાગુ થાય જેનાથી પેટન્ટ કંપની બાઇટડાઇનસ (Bytedance) એપમાં પોતાનો હિસ્સો વેચવા કે પ્રતિબંધનો સામનો કરવો પડે. ખાનગી સુત્રોના હવાલાથી આ રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. તમને જણાવી દઇયે કે, છેલ્લા ઘણા સમયથી અમેરિકાની સરકાર દ્વારા ટિકટોક પર સંભવિત પ્રતિબંધો લાદવાના સમાચાર સામે આવી રહ્યા છે.
આ અહેવાલના જવાબમાં, ઘણા આર્ટીકલમાં ટિકટોકના પ્રવક્તાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “અમે સંપૂર્ણ કાલ્પનિક બાબતો પર ટિપ્પણી કરી શકતા નથી.” અત્યાર સુધી મસ્કે આ મુદ્દે કોઇ નિવેદન આપ્યું નથી.
એલોન મસ્કે 2022માં ટ્વિટર હસ્તગત કર્યું
ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્કે 2022માં સોશિયલ મીડિયા ટ્વિટર હસ્તગત કર્યું હતું અને પછીથી તેને એક્સ તરીકે ફરીથી બ્રાન્ડેડ કર્યું હતું. એવા અહેવાલો આવ્યા હતા કે ચીની અધિકારીઓ એલોન મસ્ક દ્વારા ટિકટોકના યુએસ ઓપરેશનને ખરીદવા અંગે વાતચીત કરી રહ્યા હતા. આ મુજબ, એક્સ ને યુએસ ઓપરેશન્સ પર નિયંત્રણ આપવામાં આવશે અને બિઝનેસ ભાગીદારીમાં ચલાવવામાં આવશે. જો કે બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર મસ્ક, ટિકટોક અને બાઇટડાન્સ વચ્ચે આ પ્રકારની સંભવિત મેગા ડીલ અંગે કોઇ વાતચીત થઇ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી.
અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ કેમ મુકાશે?
તમને જણાવી દઈએ કે 19 જાન્યુઆરીથી અમેરિકામાં એક કાયદો લાગુ થવાનો છે, જે અંતર્ગત ટિકટોક પર પ્રતિબંધ લાગી શકે છે. જો અમેરિકાની સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે તો ટિકટોકને અમેરિકામાં પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરીએ આ કાયદા પર પ્રતિબંધ મૂકવાની ટિકટોકની આપાતકાલીન અપીલ પર સુનાવણી કરી હતી, જેમાં કંપનીએ વિનંતી કરી હતી કે તેણે 17 કરોડ અમેરિકન યુઝર્સના ફર્સ્ટ એમેન્ડમેન્ટ રાઇટ્સનું ઉલ્લંઘન કર્યું છે. જોકે ન્યાયધીશોની ખંડપીઠ સરકારની તરફેણમાં દેખાતા હતા. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથેના સંબંધોને કારણે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ હોવાને કારણે ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી અપેક્ષા છે.
બેઇજિંગ સ્થિત બાઇટડાન્સે એવું સૂચન કર્યું નથી કે તે ટિકટોકમાં તેનો લગભગ 40 ટકા હિસ્સો એવા જૂથને વેચવાની વિચારણા કરી રહી છે જેને અમેરિકાની મંજૂરી મળશે. ચીનના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે બાઇટડાન્સ દ્વારા તેનો ટિકટોક હિસ્સો વેચવાના કોઈપણ પ્રયાસને અવરોધિત કરવામાં આવશે, કારણ કે તેને ટેકનોલોજી એક્સપોર્ટ્સ ડીલ માનવામાં આવશે.
અમેરિકાનો કાયદો શું છે?
બંને પક્ષોના ટેકાથી પસાર કરવામાં આવેલા અને રાષ્ટ્રપતિ બિડેન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા આ કાયદામાં એપલ અને ગૂગલના એપ સ્ટોર્સને ટિકટોક ઉપલબ્ધ કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સિવાય કે બાઇટડાન્સ એવા દેશમાં સ્થિત કંપનીને તેના માલિકીના અધિકારોનું વેચાણ કરે જેને અમેરિકાની વિદેશી હરીફ માનવામાં આવતી નથી. ટિકટોકની ચીની માલિકી અંગેની ચિંતાને કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીની સરકાર જાસૂસી અથવા પ્રચાર હેતુ માટે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિનંતી કરી છે કે, સુપ્રીમ કોર્ટ વાટાઘાટો મારફતે સમાધાનને મંજૂરી આપવા માટે કાયદો લાગુ કરવામાં વિલંબ કરે, જેનાથી રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા દૂર કરતા ટિકટોક પર દેશભરમાં પ્રતિબંધથી બચી શકાય. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકન કંપનીને ટિકટોક વેચવા માટે દબાણ કરવાનો અગાઉના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.





